ભિક્ષુકની ભાવભીની ભેટ

વિજયવાડાના ૭૫ વર્ષીય યદિરેડ્ડી છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. વિજયવાડામાં આવેલા ભગવાન રામના મંદિરની બહાર તેઓ ઘણાં વર્ષોથી ભીખ માગીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમણે ભગવાન રામને ચાંદીનો મુગટ ભેટમાં ધર્યો છે, સાથે જ મંદિરના ભંડારા માટે પણ કેટલાંક રૂપિયા દાનમાં આપ્યા છે.

દેશવાસીઓ જ્યારે નોટબંધીને કારણે પરેશાન હતા અને પોતાની પાસે રહેલી જૂની નોટો મંદિરમાં દાન આપતા હતા ત્યારે યદિરેડ્ડીએ ચાંદીનો મુગટ ભેટમાં આપીને વિજયવાડાના લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા. યદિરેડ્ડી મૂળ તો નાલગોંડાના છે પણ કિશોરાવસ્થાથી તેઓ વિજયવાડામાં આવીને વસ્યા છે. ૪૫ વર્ષ સુધી રિક્ષા ચલાવીને જીવનનિર્વાહ ચલાવનારા યદિરેડ્ડીએ સ્વાસ્થ્ય કથળવાને કારણે રિક્ષા ચલાવવાનું બંધ કરી મંદિર બહાર બેસીને ભીખ માગવાનું શરૂ કર્યું. કોઇ સગાં-સંબંધી નહીં હોવાને કારણે યદિરેડ્ડીએ પોતાની જમાપૂંજી ભગવાનને જ સમર્પિત કરવાનું મુનાસીબ માન્યું.

અગાઉ તેમણે આ જ મંદિરમાં સાંઇબાબા માટે ચાંદીનો મુગટ ભેટ ધર્યો હતો અને હવે રામ ભગવાન માટે ચાંદીનો મુગટ ભેટમાં આપ્યો છે. અમુક લોકો યદિરેડ્ડીના આ કાર્યને વખાણી રહ્યા છે તો કેટલાંકના મતે યદિરેડ્ડીએ જરૂરિયાતમંદોને મદદ કરી હોત તો સારું હોત. જોકે, યદિરેડ્ડી માને છે કે ભગવાનને કારણે તેમને રૂપિયા મળે છે અને તેથી જ તેઓ આ રૂપિયા ઇશ્વરને પાછા સમર્પિત કરવાની ઇચ્છા રાખે છે.

You might also like