બેગ પર લખ્યું હતું ‘બોમ્બ’ અને દિલ્હી એરપોર્ટ પર હલચલ મચી

નવી દિલ્હીઃ પાટનગર નવી દિલ્હી સ્થિત ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બાંગ્લાદેશમાં ડોક્ટરનો અભ્યાસ કરીને પરત આવી રહેલી એક મેડિકલ સ્ટુડન્ટને કસ્ટડીમાં લેવામાં આવી હતી, કારણ કે તેની બેગ પર ‘કેરિંગ બોમ્બ ઇનસાઇડ’ લખ્યું હતું. સિક્યોરિટી સ્ટાફે જ્યારે આ મેડિકલ સ્ટુડન્ટની બેગ પર આ શબ્દો જોયા તો તેમણે તાત્કાલિક તે યુવતીને કસ્ટડીમાં લઇને પૂછપરછ શરૂ કરી દીધી હતી.

સુરક્ષા અને ઇન્ટેલિજન્સ એજન્સીઓએ તેની લાંબી પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે શ્રીનગરના રાજબાગમાંં રહેતી આ યુવતી અને તેની ત્રણ સહેલીઓ કોલકાતા અને નવી દિલ્હી થઇને ઢાકાથી શ્રીનગર જઇ રહી હતી. આ ત્રણેય સવારે ૧૧-૦૦ વાગ્યે દિલ્હી એરપોર્ટ પર ઊતરી હતી. અહેવાલો અનુસાર આ દરમિયાન સીઆઇએસએફના એક જવાને આ યુવતી અને તેની ત્રણ સહેલીઓ સિક્યોરિટી ચેક એરિયા તરફ જતી હતી ત્યારે તેમની બેગ પર ‘આમાં બોમ્બ હોઇ શકે છે’ એવા શબ્દો લખેલા જોઇને ચોંકી ઊઠ્યો હતો અને તેણે તાત્કાલિક આ યુવતીને કસ્ટડીમાં લઇને પૂછપરછ શરૂ કરી હતી.

પોલીસે જણાવ્યું હતું કે સુરક્ષા અધિકારીઓએ બાંગ્લાદેશ અને શ્રીનગરમાં આ યુવતીનું બેકગ્રાઉન્ડ ચેક કરાવ્યું હતું અને જ્યારે સ્પષ્ટ થઇ ગયું કે હવે કોઇ પ્રકારની આ યુવતી અંગે શંકા-કુશંકા રહી નથી ત્યારે તેને જવા દેવામાં આવી હતી.
આ મામલાની જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાને જાણ થતાં તેમણે તાત્કાલિક ટ્વિટ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન રાજનાથસિંહને મદદ કરવા જણાવ્યું હતું.

You might also like