ટ્રેન આવતાં પહેલાં જ માનવરહિત ક્રોસિંગ પર સેટેલાઈટથી વાગશે હૂટર

આઝમગઢ: ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન (ઈસરો)એ ટ્રેનની સુરક્ષા વધારવાની દિશામાં મહત્ત્વની કામગીરી કરી છે, જેમાં તેની સેટેલાઈટ આધારિત અર્લી વોર્નિંગ ચિપ સિસ્ટમની ટ્રાયલ પૂરી થઈ ગઈ છે, જેની મદદથી માનવરહિત ક્રોસિંગ પર ટ્રેન આવતાં પહેલાં જ હૂટર વાગવા લાગશે. જો આ પ્રયોગ સફળ રહેશે તો દેશનાં તમામ માનવરહિત ક્રોસિંગ પર આવા હૂટર લગાવી દેવામાં આ‍વશે.

માનવરહિત રેલવે ફાટક પર અવારનવાર દુર્ઘટના થતી રહે છે તેને રોકવા રેલવે વિભાગ દ્વારા આવા ક્રોસિંગ પર ફોનમેનની સુવિધા ઊભી કરવામાં આવી રહી છે, જેમાં આવા ફાટક પર હૂટર લગાવવામાં આ‍વશે. રેલવે ઈસરોમાં વિક‌િસત આ ચિપ ટ્રેનના એન્જિનમાં લગાવશે.

આ ચિપ દ્વારા સંકેત મળતાં જ આવા ફાટક પર લાગેલા હૂટર ટ્રેન આવતાં પહેલાં જ વાગવા લાગશે અને તે રોડ પરથી પસાર થતા લોકો અને ટ્રેનના ચાલકને પણ ચેતવણી આપશે. પાઈલટ પ્રોજેક્ટના આધારે આ ચિપને ટ્રાયલના સમયે અનેક ટ્રેનના એન્જિનમાં લગાવવામાં આવ્યા હતા.

આ ચિપની મદદથી ટ્રેનના વાસ્તિવક લોકેશન ઈન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ (નાવિક) દ્વારા માનવરહિત ક્રોસિંગને મળી જાય છે. આવી ચેતવણી ક્રોસિંગથી બે કિલોમીટર દૂરથી જ મળવાનું શરૂ થઈ જાય છે અને ટ્રેન જ્યારે આવા ફાટકથી ૧૫૦૦ મીટર દૂર હોય છે ત્યારે હૂટર વાગવા લાગે છે અને જ્યારે તે ફાટકથી ૧૦૦ મીટર દૂર જતી રહે ત્યારબાદ આ હૂટર વાગવાનું બંધ થઈ જાય છે.

આવી જ વ્યવસ્થા ડબલ લાઈન પર કરવામાં આ‍વી છે, જેના કારણે વારંવાર માનવરહિત રેલવે ફાટક પર થતી દુર્ઘટના અટકાવી શકાશે. આવી વ્યવસ્થા એટલા માટે કરાઈ છે કે તેના કારણે આવા ફાટક પર લોકોને ટ્રેન આવી રહી છે તેની ચેતવણી મળી શકે અને અકસ્માતનું પ્રમાણ ઘટી શકે.

You might also like