પરિણામો પહેલાં રાહુલ ગાંધીના નિવાસસ્થાન બહાર હોમ-હવન

નવી દિલ્હી: આજે સવારે ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીની મતગણતરી શરૂ થઇ તે પહેલાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના નિવાસસ્થાન બહાર રાહુલના સમર્થકો અને ચાહકો દ્વારા એક હવનકુંડ તૈયાર કરવામાં આવ્યો હતો અને હવનકુંડની આસપાસ રાહુલ ગાંધી સહિત મોટા નેતાઓની તસવીરો લગાવવામાં આવી હતી.

ગુજરાત અને હિમાચલમાં કોંગ્રેસના વિજય માટે આ હવન કરવામાં આવ્યો હતો. હવન કરનાર કોંગ્રેસના સમર્થકોએ જણાવ્યું હતું કે બંને રાજ્યમાં કોંગ્રેસના વિજયની શુભકામના માટે અમે હવન કરી રહ્યા છીએ. તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં બંને રાજ્યમાં કોંગ્રેસનો વિજય થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે બંને રાજ્યમાં તાજેતરમાં યોજાયેલ ચૂંટણી બાદ તમામ એક્ઝિટ પોલમાં ભાજપનો વિજય થશે એવો સંકેત આપવામાં આવ્યો હતો અને તેથી કોંગ્રેસમાં એવી દહેશત હતી કે તેમને પરાજયનો સામનો કરવો પડશે. આથી કોંગ્રેસનો વિજય થાય તે માટે કોંગ્રેસના સમર્થકોએ ખાસ કરીને યુવા સમર્થકોએ રાહુલ ગાંધી અને કોંગ્રેસના વિજય માટે શુભકામના પાઠવવા માટે આ યજ્ઞનું આયોજન કર્યું હતું.

You might also like