નવેમ્બર એક્સપાયરી અને જીડીપી ડેટા આવે તે પૂર્વે શેરબજારમાં સુધારો

અમદાવાદ: આજે શેરબજાર પોઝિટિવ ખૂલ્યું હતું. આવતી કાલે નવેમ્બર એક્સપાયરી અને બીજા ક્વાર્ટરના જીડીપી ડેટા આવે તે પૂર્વે આજે સેન્સેક્સ ૫૦ પોઇન્ટ સુધર્યો હતો, જ્યારે નિફ્ટી ૧૫ પોઇન્ટના સુધારે ૧૦,૩૮૨ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાંં જોવા મળી હતી.
કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટોમોબાઇલ, ફાર્માસ્યુટિકલ સેક્ટર સહિત સ્મોલકેપ અને મિડકેપ સેક્ટરના શેરમાં સુધારાની ચાલ નોંધાઇ હતી.

આજે શરૂઆતે એચડીએફસી, એક્સિસ બેન્ક અને ભારતી એરટેલ કંપનીના શેરમાં ૦.૨૦થી ૦.૪૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે સિપ્લા કંપનીના શેરમાં એક ટકાનો ઉછાળો નોંધાયો હતો. કોલ ઇન્ડિયા અને ઓએનજીસી કંપનીના શેરમાં પણ ૦.૯૦ ટકાનો સુધારો જોવાયો હતો.

મિડકેપ સેક્ટરના શેર જેવા કે શ્રીરામ ટ્રાન્સપોર્ટ, રાજેશ એક્સપોર્ટ, આદિત્ય બિરલા ફેશન કંપનીના શેર ત્રણ ટકા સુધી ઊછળ્યા હતા, જોકે સ્મોલકેપ સેક્ટરના શેર જેવા કે કોલ્ટે પાટીલ, આઇએલએનએફએસ એન્જિનિયરિંગ, એવરેસ્ટ ઇન્ડ. કંપનીના શેરમાં પાંચ ટકા સુધીનો મજબૂત ઉછાળો નોંધાયો હતો. બજારના જાણકારોના કહેવા પ્રમાણે રોકાણકારોની નજર જીડીપીના ડેટા તથા નવેમ્બર એક્સપાયરી પર ટકેલી છે.

ફાર્માસ્યુટિકલ સેક્ટરના શેરમાં ઉછાળો
અલ્કેમ લેબોરેટરીઝ ૩.૯૩ ટકા
લ્યુપિન 0.૨૭ ટકા
સન ફાર્મા ૦.૩૬ ટકા
વોકહાર્ટ ૧.૦૧ ટકા
એલેમ્બિક ફાર્મા ૦.૫૪ ટકા
ઓરબિન્દો ફાર્મા ૦.૩૯ ટકા

આ શેરમાં સુધારો નોંધાયો
સિપ્લા ૧.૧૫ ટકા
કોલ ઇન્ડિયા ૦.૭૫ ટકા
ઓએનજીસી ૦.૬૩ ટકા

આ શેરમાં ઘટાડો નોંધાયો
ICICI બેન્ક ૦.૪૦ ટકા
ટીસીએસ ૦.૨૯ ટકા
એક્સિસ બેન્ક ૦.૨૫ ટકા

આવતી કાલે ઓપેક મિટિંગ પૂર્વે આંતરરાષ્ટ્રીય ક્રૂડમાં નરમાઈ
આવતી કાલે ક્રૂડનું ઉત્પાદન કરતા દેશોના સંગઠન ઓપેકની બેઠક મળી રહી છે તે પૂર્વે આજે ક્રૂડના ભાવમાં નરમાઇ જોવા મળી હતી. બ્રેન્ટ ક્રૂડ ૬૩ ડોલર પ્રતિ બેરલની સપાટીએ કારોબારમાં જોવા મળી રહ્યું હતું, જ્યારે નાયમેક્સ ક્રૂડના ભાવમાં ૦.૫૫ ટકાનો ઘટાડો નોંધાઇ ૫૭ ડોલર પ્રતિ બેરલની આસપાસ ટ્રેડિંગમાં છે.

You might also like