2019ની ચૂંટણી પહેલાં ભાજપથી છેડો ફાડી નાખવાનો શત્રુઘ્નનો સંકેત

નવી દિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા અને બિહારના પટનાસાહિબથી સાંસદ તરીકે ચૂંટાયેલા શત્રુઘ્ન સિંહાએ આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપથી છેડો ફાડી નાખવાનો સંકેત આપ્યો છે. જોકે તેમણે એ સ્પષ્ટતા કરી હતી કે તેઓ પટનાસાહિબ બેઠક છોડશે નહીં અને ત્યાંથી જ લોકસભાની ચૂંટણી લડશે.

એક ચેનલ સાથેની વાતચીતમાં શત્રુઘ્ન સિંહાએ જણાવ્યું હતું કે મને કેટલાયે પક્ષો તરફથી ઓફરો મળી રહી છે કે જ્યાં પક્ષની અંદર રહીને હું મારા મતવિસ્તાર માટે શ્રેષ્ઠ કામગીરી કરી શકીશ. તેમણે જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં જો મારે અપક્ષ સભ્ય તરીકે પણ ચૂંટણી લડવી પડે તો મને કોઇ ફરક પડશે નહીં.

શત્રુઘ્ન સિંહાએ વધુમાં જણાવ્યું હતું કે ર૦૧૪ની લોકસભા ચૂંટણી સમયે મને પક્ષની ટિકિટ નહીં આપવામાં આવે એવી વાતો ઊડી હતી, પરંતુ છેલ્લી ઘડીએ મને ટિકિટ આપવામાં આવી હતી. હું મારી બેઠક પર વિક્રમી સરસાઇથી જીત્યો હતો અને મેં મારા વિજયના જૂના રેકોર્ડ પણ તોડયા હતા. તેમ છતાં ફરી વાર એવી વાતો વહેતી થઇ છે કે મને આ વખતે ટિકિટ આપવામાં આવશે નહીં.

મારી જીતનો રેકોર્ડ છે તેમ છતાં મને કેમ કોઇ ટિકિટ નહીં આપે? ભાજપમાં તેમની સાથે અયોગ્ય વ્યવહાર પર તેમણે જણાવ્યું હતું કે તેઓ મારા માણસો છે અને હું તેમની વિરુદ્ધ કંઇ પણ બોલીશ. મારી પાર્ટીને ખબર છે કે આ પ્રકારનો અયોગ્ય વ્યવહાર મને ઘણું દુઃખ પહોંચાડે છે, પરંતુ આ બધું આજ કાલ થઇ રહ્યું છે એવું નથી. જે દિવસથી નવી સરકાર રચાઇ ત્યારથી જ હું આ પ્રકારનો અયોગ્ય વ્યવહાર સહન કરી રહ્યો છું.

You might also like