ચૂંટણી પરિણામો પહેલાં દિલ્હીમાં વિપક્ષો દ્વારા ‘મહાગઠબંધન’નું રણશિંગું

નવી દિલ્હી: પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવતી કાલે મંગળવારે જાહેર થવાનાં છે ત્યારે વિપક્ષી દળોએ અત્યારથી જ ર૦૧૯ની લોકસભા ચૂંટણીની પૂર્વતૈયારીના ભાગરૂપે આજે દિલ્હીમાં ‘મહાગઠબંધન’નું રણશિંગું ફૂંકી દીધું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ વિધાનસભાની ચૂંટણીના સર્વેમાં ભાજપ બેકફૂટ પર ધકેલાતું હોવાના સ્પષ્ટ સંકેત મળ્યા બાદ વિપક્ષી દળોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મહાગઠબંધનની દિશામાં આગળ વધી રહેલા આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ આજે દિલ્હી ખાતે તમામ વિપક્ષી દળોની બેઠક બોલાવી છે. આ મહાબેઠકમાં સમાજવાદી પાર્ટી (સપા)ના નેતા મુલાયમસિંહ યાદવ, પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના સર્વેસર્વા મમતા બેનરજી, દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટી (આપ)ના સંયોજક અરવિંદ કેજરીવાલ ઉપરાંત એનસીપીના ચીફ શરદ પવાર, સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરી, સીપીઆઈના મહાસચિવ એસ. સુધાકર રેડ્ડી, ડીએમકેના અધ્યક્ષ એમ.કે. સ્ટાલિન, આરજેડીના નેતા તેજસ્વી યાદવ, એલજેડીના શરદ યાદવ પણ ઉપસ્થિત રહેશે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને યુપીએના અધ્યક્ષા સોનિયા ગાંધી પણ આ બેઠકમાં હાજર રહે તેવી શક્યતા છે. સંસદ ભવનના એનેક્સીમાં યોજાનારી આ બેઠકમાં સપાના ચીફ અખિલેશ યાદવ, નેશનલ કોંગ્રેસના ફારુક અબ્દુલ્લા પણ હાજરી આપશે. સૂત્રોના જણાવ્યા અનુસાર બસપાના સુપ્રીમો માયાવતી અને બીજેડીના નેતા નવીન પટનાયક આ બેઠકથી દૂર રહેવાના છે, જોકે માયાવતીના પ્રતિનિધિ તરીકે બસપાના મહાસચિવ સતીશચંદ્ર મિશ્ર ઉપસ્થિત રહેવાના છે.

આવતી કાલે પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થવાના છે અને સંસદના શીતકાલીન સત્રનો આરંભ પણ થવાનો છે ત્યારે આજની આ બેઠક ખૂબ અગત્યની માનવામાં આવી રહી છે. ર૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપને કઈ રીતે હરાવવો અને મહાગઠબંધનનું સ્વરૂપ કેવું હશે વગેરે જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે અને તેમને આખરી ઓપ પણ આપવામાં આવશે. આવતી કાલના પરિણામોમાં સર્વે અનુસાર જો કોંગ્રેસ મજબૂત પક્ષ બનીને ઊભરે તો મહાગઠબંધનમાં મુખ્ય ભૂમિકા રાહુલ ગાંધી અને તેમના પક્ષની જ રહેશે તે વાત પર મહોર લાગી જશે.

આ ઉપરાંત આવતી કાલે ૧૧ ડિસેમ્બરથી શરૂ થનારા સંસદના શીતકાલીન સત્ર માટે કેન્દ્ર સરકારે આજે એક સર્વદળીય બેઠક બોલાવી છે. સદન યોગ્ય રીતે ચાલી શકે એ માટે લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન અને રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ અલગ-અલગ બેઠકો બોલાવી છે. સામાન્ય રીતે સંસદીય કાર્ય પ્રધાન સરકાર તરફથી સર્વ પક્ષીય બેઠક બોલાવે છે, જેમાં વડા પ્રધાન પણ હાજર રહેતા હોય છે અને તેઓ દર વખતે વિપક્ષને સહયોગની અપીલ કરે છે.
આવતી કાલે જોકે સંસદની કાર્યવાહી કેન્દ્રીય પ્રધાન અનંતકુમારને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ સ્થગિત કરવામાં આવશે. આ ઉપરાંત બિહારના કિશનગંજથી કોંગ્રેસના સાંસદ અસરારુલ હકનું પણ નિધન થયું હોવાથી તેમને પણ સંસદમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

વિપક્ષી દળો સરકારને સંસદના શીતકાલીન સત્રમાં રાફેલ ડીલ, ખેડૂતોના પ્રશ્નો અને સમસ્યાઓ જેવા વિવિધ મુદ્દે ઘેરવાની તૈયારીમાં છે. તમામ વિપક્ષી દળો એક સંયુક્ત રણનીતિ બનાવીને સરકાર પર પ્રહાર કરશે અને તેનો જવાબ માગશે.

You might also like