બજેટ પૂર્વે શેરબજારમાં ફૂલગુલાબી તેજી જારી

અમદાવાદ: શેરબજારમાં ફુલગુલાબી તેજી જારી રહેલી જોવા મળી હતી. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૩૦૫ પોઇન્ટના સુધારે ૩૬,૩૫૮, જ્યારે એનએસઇ નિફ્ટી ૭૫ પોઇન્ટના ઉછાળે ૧૧,૧૪૪ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. આમ, શેરબજાર ઇન્ટ્રા ડે ટ્રેડિંગમાં શરૂઆતે જ નવી ઊંચી સપાટીએ જોવા મળ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટીમાં ૦.૫ ટકાનો ઉછાળો આવ્યો હતો. આજે મેટલ અને ઓટોમોબાઇલ સેક્ટરના શેરમાં મજબૂત ઉછાળો નોંધાયો હતો.

પીએસયુ બેન્ક, રિયલ્ટી, કેપિટલ ગુડ્સ સેક્ટરના શેરમાં પણ મજબૂત સુધારો નોંધાયો હતો. બેન્ક નિફ્ટી પણ ૦.૧૫ ટકાના સુધારે ૨૭,૪૯૧ની સપાટીએ જોવા મળી હતી. પીએસયુ બેન્ક ઇન્ડેક્સમાં ૦.૬ ટકાનો સુધારો નોંધાતો જોવા મળ્યો હતો.
આજે શરૂઆતે મારુતિ સુઝુકી કંપનીના શેરમાં ૩.૧૭ ટકાનો સુધારો નોંધાતો જોવા મળ્યો હતો.

ટાટા સ્ટીલ અને લાર્સન ટુબ્રો કંપનીના શેરમાં પણ મજબૂત એક ટકાથી ૨.૫૦ ટકાનો સુધારો નોંધાયો હતો. તો બીજી બાજુ ડો. રેડ્ડીઝ લેબ્સ, ભારતી એરટેલ અને ઓએનજીસી કંપનીના શેરમાં પ્રોફિટ બુકિંગની ચાલ નોંધાતી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેર જેવા કે બાયોકોન, એમ્ફેસિસ, શ્રીરામ ટ્રાન્સપોર્ટ, ઇમામી, નીતિન સ્પીન્ર્સ, ભૂષણ સ્ટીલ કંપનીના શેરમાં ત્રણ ટકાથી છ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો, જોકે શ્રી અધિકારી બ્રધર્સ, ગ્લોબલ સ્પિરિટ્સ, એબીબી ઇન્ડિયા, ઇન્ડિનય હોટલ્સ, જિંદાલ સ્ટીલ, ડેવિસ લેબ્સ કંપનીના શેર પ્રેશરમાં જોવા મળ્યા હતા.

વિદેશી સંસ્થાગત રોકાણકારોની સતત લેવાલી તથા બજેટમાં ગ્રામીણ વિસ્તારો સહિત દેશનો વિકાસ થાય તેવા નવેસરથી પગલાં ભરવામાં આવી શકે છે તેવા સેન્ટિમેન્ટ પાછળ શેરબજારમાં રોકેટ ગતિએ સુધારાની ચાલ જોવા મળી છે. ખાસ કરીને ઓટોમોબાઇલ, બેન્કિંગ, રિયલ્ટી અને કેપિટલ ગુડ્સ સેક્ટરના શેરમાં તેની સીધી અસર નોંધાતી જોવા મળી છે.

ઓટો કંપનીના શેર ચોથા ગિયરમાં

ટકાવારીમાં વધારો શેરના ભાવ
મારુતિ સુઝુકી ૨.૨૪ રૂ. ૯,૪૮૫.૨૫
ટાટા મોટર્સ ૦.૮૧ રૂ. ૪૦૩.૪૫
હીરો મોટો કોર્પ ૦.૫૯ રૂ. ૩,૫૯૦.૫૦
આઈશર મોટર ૧.૦૩ રૂ. ૨૬,૭૯૮.૨૦
બજાજ ઓટો ૦.૩૭ રૂ. ૩,૩૧૫.૩૫
ટીવીએસ મોટર ૦.૮૪ રૂ. ૭૧૦.૭૫

 

મેટલ સેક્ટરના શેર ચળક્યા

સેઈલ ૦.૩૭ ટકા
એનએમડીસી ૨.૩૦ ટકા
હિંદુસ્તાન ઝિંક ૨.૬૦ ટકા
જેએસડબ્લ્યુ સ્ટીલ ૧.૮૦ ટકા
ટાટા સ્ટીલ ૦.૧૩ ટકા
વેદાન્તા ૦.૭૨ ટકા

 

You might also like