સલાડ અને સૂપ ઓર્ડર કરતાં પહેલાં..

સૂપ અને સલાડ સ્વાસ્થ્ય માટે ખુબ જ સારા છે. પરંતુ હા તે ઘરના હોવા જોઇએ. મોટેભાગે લોકો બહાર રેસ્ટોરન્ટમાં જઇને સૂપ અને સલાડ ઓર્ડર કરતાં હોય છે. જો તમે પણ કંઇ આવું જ કરતાં હોય તો તેનાથી બચજો. શા માટે આવો જાણીએ..

વજન ઉતારવા માટે કે વજનને મેઇન્ટેન રાખવા માટે મોટાભાગના લોકો સલાડ કે સૂપ વધારે પ્રમાણમાં લેતા હોય છે. તેઓ જ્યારે બહાર રેસ્ટોરન્ટમાં પણ જમવા માટે જાય ત્યારે આ ટેવ જાળવી રાખે છે. જેથી તેઓ ત્યાં પણ સલાડ તેમજ સૂપ ઓર્ડર કરતાં હોય છે. પરંતુ મોટાભાગના ડાયેટિશિયન બહાર જઇને સલાડ કે સૂપની જગ્યાએ મેઇન કોર્સ લેવાનું કહે છે. જે પાછળનું મુખ્ય કારણ છે બહારના કાચો ખોરાકથી ઇન્ફેક્શન થવાનો ભય વધારે રહે છે. જેના કારણે બીમાર પડવાનું રિસ્ક વધી જાય છે.

ઘરે આપણે જ્યારે કોઇ પણ કાચા શાકભાજી ખાઇએ છીએ ત્યારે તેને વ્યવસ્થિત રીતે ધોઇ લઇએ છીએ. પરંતુ રેસ્ટોરન્ટમાં કે હોટલમાં આપણે હાઇજિનની અપેક્ષા ના રાખી શકાય. તે સિવાય સલાડ તેમજ સૂપ માટે કાપીને રાખવામાં આવેલા શાકભાજી પણ તાજા હોતા નથી. કલાકો સુધીને કાપીને ફ્રિઝરમાં ફ્રિઝ કરીને મુકેલા શાકભાજીમાં આમ પણ કોઇ ન્યુટ્રીશન હોતા નથી. આ સિવાય બહાર સુપને વધારે થીક કરવા માટે કોર્ન ફ્લોર વાપરવામાં આવે છે જેમાં કોઇ પણ પ્રકારના ન્યુટ્રીશન હોતા નથી. તે ફક્ત કેલરી જ આપે છે. આ ઉપરાંત તેમાં નાંખવામાં આવતું મીઠું તેમજ ખાંડ શાકભાજીના પોષકતત્વોને શરીર સુધી પહોંચવા દેતુ નથી.

You might also like