૨૦૭૪માં પ્રવેશ પૂર્વે શેરબજાર નવી ઊંચાઈએ જોવાઈ શકે

શેરબજાર ગઇ કાલે દિવસના અંતે સુધારે બંધ જોવાયું હતું. બીએસઇ સેન્સેક્સ ૨૫૦ પોઇન્ટના સુધારે ૩૨,૪૩૨, જ્યારે એનએસઇ નિફ્ટી ૭૧ પોઇન્ટના સુધારે ૧૦,૧૬૭ પોઇન્ટની સપાટીએ બંધ જોવાઇ છે. નિફટી છેલ્લે નવી ઊંચી સપાટીએ બંધ જોવાઇ છે. આગામી સપ્તાહે શેરબજાર વિક્રમ સંવત ૨૦૭૪માં પ્રવેશશે. તે પૂર્વે શેરબજારમાં નવી ઊંચાઇ જોવાઇ શકે છે તેવો મત નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાયો છે. સપ્તાહ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં ૧.૯ ટકાનો સુધારો નોંધાતો જોવા મળ્યો હતો.

બેન્ક નિફ્ટીમાં પણ સપ્તાહ દરમિયાન ૨.૦૬ ટકાનો સુધારો જોવાયો છે એટલું જ નહીં, મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરમાં અનુક્રમે ૧.૧ ટકા અને ૧.૭૮ ટકાનો સુધારો નોંધાયો છે. કોર્પોરેટ સેક્ટરની અગ્રણી કંપની રિલાયન્સ અને ટીસીએસનાં અપેક્ષા કરતાં સારાં પરિણામના પગલે શેરબજારને નવું જોર મળ્યું હતું.

ટેલિકોમ સેક્ટરમાં મર્જરના કારણે ભારતી એરટેલ સહિત અન્ય ટેલિકોમ કંપનીના શેરમાં પણ તેની સકારાત્મક અસર જોવા મળી છે એટલું જ નહીં, પાછલા સપ્તાહે સરકારે જીએસટીમાં કેટલીક રાહતો આપતાં તેની બજાર ઉપર અસર થઇ છે તો બીજી બાજુ વૈશ્વિક મોરચે નકારાત્મક પરિબળના અભાવ વચ્ચે શેરબજારને સપોર્ટ મળ્યો છે.

આગામી સપ્તાહે બજારની નજર અગ્રણી કંપનીઓનાં પરિણામ ઉપર રહેશે એટલું જ નહીં, સેન્ટિમેન્ટ જોતાં શેરબજાર નવી ઊંચાઇએ જોવા મળી શકે છે. સોમવાર, મંગળવાર અને બુધવારના ટ્રેડિંગ સેશન બાદ ગુરુવારે દિવાળીનું મુહૂર્ત સેશન છે. શેરબજારના ટેક્િનકલ એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે નિફ્ટી આગામી સપ્તાહે ૧૦,૨૬૦ની સપાટીએ જોવાઇ શકે છે. શુક્રવાર, શનિવાર અને રવિવારની ત્રણ દિવસ સળંગ રજા હોવાના કારણે મોટા રિસ્કથી દૂર રહેવું હિતાવહ છે. નિફ્ટી નીચામાં ૯,૯૦૦ સપોર્ટ લેવલ ગણાવી શકાય.

ગુરુવારે દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ સેશન
દિવાળીનું મુહૂર્ત ટ્રેડિંગ સેશન આગામી સપ્તાહે ગુરુવારે સાંજે છે. પ્રી-ઓપન સેશન ૬.૧૫થી ૬.૩૦, જ્યારે ૬.૩૦થી ૭.૩૦ એમ એક કલાક મુહૂર્ત ટ્રેડિંગ રહેશે.

આગામી સપ્તાહે આ કંપનીનાં પરિણામ આવશે
• સોમવારઃ બજાજ ફિન સર્વ, ડીસીબી બેન્ક, ડીએચએફએલ, ફેડરલ બેન્ક, ઓબેરોય રિયલ્ટી, કોલગેટ પામોલિવ
• મંગળવારઃ એસીસી, અતુલ, એક્સિસ બેન્ક, બજાજ ઓટો, બ્લ્રૂ ડાર્ટ, ક્રિસિલ, આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ, જનરલ ઇન્સ્યોરન્સ, ટાટા સ્પોન્જ, વિપ્રો
• બુધવારઃ અલ્ટ્રાટેક સિમેન્ટ

શેરબજારમાં ‘લોન્ગ વેકેશન’
આગામી સપ્તાહે શેરબજારમાં શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ સળંગ ત્રણ દિવસ રજા છે. ગુરુવારે દિવાળીના મુહૂર્ત ટ્રેડિંગ બાદ શુક્રવારે દિવાળી બલીપ્રતિપદાની રજા છે, જ્યારે શનિવાર અને રવિવારે બજારમાં રજા છે. આમ, શેરબજારમાં સળંગ ત્રણ દિવસની રજા આવતાં બ્રોકરો અને રોકાણકારો રજાના આનંદના મૂડમાં જોવા મળી રહ્યા છે.

You might also like