ઇન્દ્રપુરી વોર્ડની અાંગણવાડી શરૂ થાય તે પહેલાં ડસ્ટબિન બની

અમદાવાદ: ‘પઢેગા ઈન્ડિયા તો બઢેગા ઈન્ડિયા’, ‘કન્યા કેળવણી’, ‘સ્વચ્છ બાળક સ્વસ્થ બાળક’નાં વિવિધ સૂત્રો વચ્ચે ઝડપથી વિકસિત થઈ રહેલા દેશ સાથે તાલ મેળવવા ગરીબ બાળકોને આજે પણ ઝઝૂમવું પડે છે. સરકારી લાભો અને તેના લાભો મળવાની વાત તો બહુ દૂરની છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરભરની ૬૦૦ જેટલી આંગણવાડીનો વહીવટ ચલાવાય છે, પરંતુ તંત્રની એક પછી એક આંગણવાડીની દુર્દશા વારંવાર ઉઘાડી પડતી હોવા છતાં લગતાવળગતાઓના પેટનું પાણી પણ હાલતું નથી.

શહેરના ઇન્દ્રપુરી વોર્ડમાં નવનિર્મિત આંગણવાડીમાં તે શરૂ થતાં પહેલાં જ ગંદકી તેમજ દુર્દશા જોવા મળે છે. અહીં બાળકો કેવી રીતે ભણી શકે? ઇન્દ્રપુરી વોર્ડમાં ગરીબ બાળકોને પાયાના પ્રાથમિક શિક્ષણ સાથે પૌષ્ટિક આહાર મળી રહે તે હેતુથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી આંગણવાડી કેન્દ્ર બનાવવાની કામગીરી પૂર્ણ કરી દેવાઇ છે અને છેલ્લાં ચાર વર્ષથી આંગણવાડીનું કામ પૂર્ણ થઇ ગયું છે તેમ છતાં હજુ શરૂ નહીં થતાં લોકો તેનો દુરુપયોગ કરી રહ્યા છે.

આ આંગણવાડી કેમ્પસમાં તેમજ આજુબાજુમાં કચરાના ઢગલા જોવા મળે છે તેમજ આંગણવાડીમાં પ્રવેશતાં જ મોટાં વૃક્ષ તેમજ ઘાસ ઊગી નીકળેલ છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આંગણવાડીઓના સંચાલનમાં ભારે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે અને આંગણવાડી સેવાના બદલે મેવામાં રાચતી લેભાગુ સંસ્થાઓને સોંપી દેવાઈ છે. આ સંસ્થાઓને સ્વાભાવિકપણે લાખો રૂપિયાની સરકારી ગ્રાન્ટની રકમ હડપ કરી જવાની લાલચ હોઈ નાનાં ભૂલકાંઓના ભાવિ સાથે ક્રૂર રમત રમાય છે.

આ આંગણવાડીનો રાતના સમયે કેટલાંક અસામાજિક તત્ત્વો દુરુપયોગ કરી રહ્યાં છે. ઇન્દ્રપુરી વોર્ડની આંગણવાડી છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્ત્વોનો અડ્ડો બની ગઇ છે. અહીં રાત્રે તો છોડો, દિનદહોડે-બપોરે પણ અસામાજિક તત્ત્વો મહેફિલ માણતાં જોવા મળે છે. બાદમાં તેઓ દારૂની ખાલી બોટલો-થેલીઓ અહીંતહીં ફેંકી જતાં રહે છે. અસામાજિક તત્ત્વો દ્વારા આંગણવાડી પરિસરને જ દારૂનો અડ્ડો બનાવી દેવાયો છે. મ્યુનિ કોર્પો. દ્વારા આ પ્રવૃત્તિ તાકીદે બંધ કરાવવાનાં પગલાં ક્યારે લેવાશે? તે મોટો પ્રશ્ન છે.

You might also like