બિયરનો જથ્થો ભરેલી ટ્રક ટોલનાકાને ટક્કર મારી નાસી છૂટતાં સર્જાયાં ફિલ્મી દ્રશ્યો

અમદાવાદ: કઠલાલ રોડ પર લાડવેલ ચોકડી નજીક પીઠાઈ ટોલનાકા પર કરેલી અાડશને તોડી બિયરનો જંગી જથ્થો ભરેલી ટ્રક નાસી છૂટતાં ફિલ્મી દૃશ્યો સર્જાયાં હતાં. જો કે પોલીસની જુદી જુદી ટીમે ટ્રકનો પીછો કરી ભારે જહેમત બાદ ટ્રકને ઝડપી લઈ બિયરના જથ્થા સાથે રૂ. પોણા કરોડનો મુદ્દામાલ કબજે કરી અમદાવાદના બે શખસની ધરપકડ કરી હતી.

ખેડા નડિયાદ હાઈવે પર મોટાપાયે વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીના અાધારે પોલીસે સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. દરમિયાનમાં સેવાલિયા તરફથી એક ટ્રક પુરઝડપે પસાર થતાં પોલીસે તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ટ્રકચાલક ટ્રક વધુ પૂરજોશમાં ચલાવી નાસી છૂટ્યો હતો. પરંતુ પોલીસે વાયરલેસ દ્વારા અન્ય ટીમને અા અંગે માહિતી અાપી લાડવેલ ચોકડી નજીક અાવેલ પીઠાઈ ટોલનાકા પર ટ્રકને રોકવા માટે અાડશ ઊભી કરી હતી. અા છતાં ટ્રકચાલક અાડશ તોડીને નાસી છૂટ્યો હતો. અાથી પોલીસની જુદી જુદી ટીમે તેનો પીછો કરી એક કિલોમીટર અંતરે ટ્રકની ઝડપી લીધી હતી. રાતના અંધારાનો લાભ લઈ ટ્રકમાંથી એક શખસ નાસી છૂટ્યો હતો. જ્યારે પૂનમ ભલાસિંહ ઠાકોર (રહે. નારોલ ગામ) સહિત બેને ઝડપી લઈ ટ્રકની ઝડતી કરતાં તેમાંથી બિયરનો જંગી જથ્થો મળી અાવ્યો હતો. પોલીસે રૂ. પોણા કરોડનો મુદ્દામાલ કબજે કરી અા અંગે ગુનો દાખલ કર્યો છે.

તપાસ દરમિયાન પકડાયેલા શખસે જણાવ્યું હતું કે તેણે અા ટ્રિપ મારવાના રૂ. પાંચ સો મળતા હતા અને સેવાલિયા બોર્ડરથી અા ટ્રક તેને ઓઢવ પહોંચાડવાની હતી. ઓઢવમાં અા બિયરનો જથ્થો કોને અાપવાનો હતે તે અંગે સઘન તપાસ કરવામાં અાવી છે.

You might also like