ગૌરક્ષકોઅે પીછો કરતાં ગૌમાંસ ભરેલી ગાડી પલટી ખાઈ ગઈ

અમદાવાદ: શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી કેનાલ પાસે આજે વહેલી સવારે ગૌમાંસ ભરેલી ગાડી પલટી ખાતાં મામલો બીચક્યો હતો. કઠવાડાથી ગૌમાંસ ભરેલી કસાઇઓ લઇને નીકળવાના છે તેવી બાતમીના આધારે ગૌરક્ષકોએ કસાઇઓનો પીછો કર્યો હતો. ગૌરક્ષકથી બચવા માટે ગૌમાંસ ભરેલી ગાડી પુરઝડપે ચલાવી હતી. જેમાં ઓઢવ વિસ્તારમાં બાઇક ચાલક વચ્ચે આવી જતાં ગાડીએ એકાએક પલટી ખાધી હતી. આ ઘટનામાં કસાઇઓ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. જોકે ઉશ્કેરાયેલા ગૌરક્ષકોએ ગાડીના કાચ તોડી નાખ્યા હતા કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ઓઢવ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ઉશ્કેરાયેલાં ટોળાંઓને વેરવિખેર કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ખેડા જિલ્લામાંથી કસાઇ ગાંધીનગર પાસિંગની મરુન કલરની ટવેરા ગાડીમાં ગૌમાંસ લઇને અમદાવાદ લઇને આવી રહ્યા છે તેવી બાતમી ગૌરક્ષકોને મળતાં આજે વહેલી પરોઢે કઠવાડા રોડ પર વોચ ગોઠવી હતી. ટવેરા ગાડી કઠવાડા રોડ પરથી પસાર થઇ ત્યારે ગૌરક્ષકોએ તેને રોકવાની કોશિશ કરી હતી. જોકે કસાઇઓએ ગાડી પુરઝડપે ચલાવતાં ગૌરક્ષકોએ તેનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. ગૌરક્ષકોથી બચવા માટે કસાઇઓ બેફામ ગાડી ચલાવી જેમાં તેમણે ત્રણ કરતા વધુ ગાડીઓને ટક્કર પણ મારી હતી.

ઓઢવ કેનાલ પાસે કસાઇ ગાડી લઇને પહોંચ્યા ત્યારે બાઇક ચાલક વચ્ચે આવી જતાં ગાડીએ એકાએક પલટી ખાધી હતી. કસાઇઓ યેનકેનપ્રકારેણ ગાડીની બહાર નીકળીને ફરાર થઇ ગયા હતા. ગૌરક્ષકો ઓઢવ કેનાલ પાસે પહોંચ્યા તે સમયે ટવેરા ગાડીમાં ગૌમાંસ પડ્યુ હતું જે જોઇને ગૌરક્ષકો ઉશ્કેરાયા હતા અને ટવેરા ગાડીના કાચ તોડી નાખ્યા હતા આ ઘટનાથી આસપાસમાં રહેતા લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા ત્યારે ગૌરક્ષકો પણ દોડી આવ્યા હતા. કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે ઓઢવ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ઓઢવ પોલીસે ગૌમાંસ કબજે કરીને તપાસ શરૂ કરી છે.

You might also like