સાવધાનઃ અનામતની આગ અનેકને ભસ્મ કરી નાખશે

હરિયાણામાં જાટ અનામત આંદોલનમાં તાજેતરમાં સ્ફોટક હિંસા જોવા મળી. અનામતની માગણી કરી રહેલા જાટ આંદોલનકારીઓએ સમગ્ર હરિયાણાને સળગાવ્યું હતું અને અનામત આંદોલનની આગ છેક દિલ્હી સુધી પહોંચી હતી. જાટ આંદોલન સાથે કામ લેતાં સરકાર અને સત્તાવાળાઓના નાકે દમ આવી ગયો હતો. આમ પણ જ્યારે અનામતને લઇને આંદોલન થાય છે ત્યારે સત્તા પક્ષ માટે મોટી મુશ્કેલીઓ ઊભી થાય છે. તે પછી ગુજરાત હોય કે હરિયાણા. તેનું કારણ એ છે કે અનામત આંદોલનમાં વિરોધ પક્ષો રાજકીય રોટલા શેકવા માટે આંદોલનનો ગેરલાભ ઉઠાવે છે અને સત્તાધારી પક્ષને વિમાસણમાં મૂકવાના તમામ પ્રયાસ કરે છે. હરિયાણામાં જ્યારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે પણ જાટ સમુદાયનું અનામત આંદોલન તેમના માટે મુસીબતનો પહાડ બની ગયું હતું. હવે ભાજપના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર અનામત આંદોલનની આગમાંં શેકાઇ રહ્યા છે.

ઓમપ્રકાશ ચૌટાલાનું ઇન્ડિયન નેશનલ લોકદળ પણ જાટ આંદોલનને સમર્થન આપી રહ્યું છે. જો જાટ અનામત સરળતાથી શક્ય બને તો આ મામલો ઉકેલાઇ ગયો હોત. કેન્દ્રમાં યુપીએ સરકારે કેન્દ્ર સરકારની નોકરીઓમાં જાટ સમુદાયના પછાતવર્ગોને અનામત આપી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે યુપીએ સરકારના આ આદેશને રદ કરી દીધો હતો. હરિયાણામાં જે ક્વોટા હેઠળ એટલે કે ખાસ કરીને આર્થિક રીતે પછાતવર્ગોની શ્રેણીમાં જાટ સમુદાયની ત્રણ અન્ય જા‌િતઓને જે દસ ટકા અનામત આપવામાં આવી છે તેને પણ હાઇકોર્ટે ગેરકાયદે જાહેર કરી છે અને મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.

જાટ સમુદાયના આંદોલનની સૌથી મોટી મુશ્કેલી એ છે કે આ સમુદાય જ્યારે જ્યારે આંદોલન છેડે છે ત્યારે ત્યારે આંદોલન હંમેશાં હિંસક અને સ્ફોટક બને છે. તાજેતરમાં જાટ સમુદાયનું આંદોલન એટલી હદે હિંસક બન્યું હતું કે આઠથી વધુ જિલ્લાઓ લશ્કરના હવાલે કરવા પડ્યા હતા અને દેખો ત્યાં ઠારના આદેશ જારી કરાયા હતા.  હરિયાણામાં ઓબીસી ક્વોટા હેઠળ અનામતની માગણી માટે ચાલી રહેલા જાટ સમુદાયના આંદોલને વધુ ને વધુ હિંસક સ્વરૂપ પકડ્યું હતું અને સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. રાજ્યના આઠ જિલ્લાઓ લશ્કરના હવાલે કરવામાં આવેલ છે.
આંદોલનકારીઓએ જિંદના બુદ્ધાખેડા રેલવે સ્ટેશનને સળગાવ્યું હતું. ભિવાનીમાં લશ્કરે આજે ફ્લેગ માર્ચ યોજી હતી. ઉગ્ર થઈ રહેલા આંદોલનને ધ્યાનમાં રાખીને સરકારને રોહતકની પોલીસ લાઈનમાં હેલિકોપ્ટર દ્વારા લશ્કરને ઉતારવાની ફરજ પડી હતી.

આંદોલનકારીઓએ કૈથલના સાંસદ રાજકુમાર સૈનીના ઘરે પણ હુમલો કર્યો હતો. સંસદસભ્ય કોઈ પણ રીતે પોતાનો જીવ બચાવીને ભાગવામાં સફળ રહ્યા હતા. આંદોલનને લઈને અસંંખ્ય ટ્રેનો પ્રભાવિત થઈ હતી. શતાબ્દી એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનો રદ કરી દેવામાં આવી હતી. દિલ્હી-અંબાલા અને દિલ્હી-ભટિંડા રૂટ ખરાબ રીતે પ્રભાવિત થયો હતો. રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હોવાથી દૂધ, પેટ્રોલ અને ડીઝલની ભારે તંગી વર્તાઇ હતી. આંદોલનના કારણે વાહનવ્યવહાર ઠપ થઇ ગયો હતો. ૧૫૦૦થી વધુ બસોનાં પૈડાં થંભી ગયાંં હતાં. રોહતકના ડીસી ડી. કે. બહેરાએ આદેશ કરીને લોકોને અપીલ કરી હતી કે તેઓ ૩૦ મિનિટની અંદર પોતાના ઘરમાં ચાલ્યા જાય અને ઘરની બહાર ન નીકળે એટલી હદે સ્થિતિ સ્ફોટક બની હતી.

સોનીપતમાં નેશનલ હાઈવે નંબર-૧ને જામ કરી દેવામાં આવ્યો હતો. લશ્કર ત્યાં મોકલવું પડ્યું હતું. ઝજજરમાં બીડીઓ અને એસડીએમનાં કાર્યાલયો સળગાવવામાં આવ્યાં હતાં. રોહતકમાં આંદોલનકારીઓએ લશ્કરને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ગૃહપ્રધાન રાજનાથસિંહને હરિયાણાના લોકોને શાંતિ જાળવવા અપીલ કરવી પડી હતી. હરિયાણાના મુખ્યપ્રધાન ખટ્ટરે ર૦ ટકા અનામતનો પ્રસ્તાવ આર્થિક રીતે પછાત જાટ સમુદાય માટે રજૂ કર્યો હતો, પરંતુ જાટ સમુદાયે તેને ફગાવી દીધો હતો. શું જાટ સમુદાય એવું માને છે કે તેમને અનામત આપવા માટે બંધારણમાં સુધારા જેવાં પગલાં લેવા સરકારને મજબૂર કરી શકે? શું આ આંદોલન ગુસ્સામાં છેડાયેલું દિશાહીન આંદોલન છે? ખાસ કરીને વગદાર અને સાધનસંપન્ન જાતિઓ દ્વારા અનામતની માગણી વિચિત્ર જણાય છે. જાટ સમુદાયે પણ આ બાબતે વ્યવહારુ અભિગમ અપનાવીને અનામતની માગણી કરવી જોઇએ.

You might also like