દાઢીઃ દિલમાં પણ રાખે અને દાઢમાં પણ

ભારતની વડી અદાલતે ભારતીય સેનાના અધિકારીઓ ધર્મના આધારે દાઢી ન રાખી શકે તેવો આદેશ આપ્યો છે. અગાઉ ભારત સરકાર દ્વારા આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો કે સૈન્યના અધિકારીઓ દાઢી નહીં રાખી શકે. સૈન્યના બે અધિકારીઓએ આ નિર્ણયને વડી અદાલતમાં પડકાર્યો હતો અને તે સંદર્ભે વડી અદાલતે સરકારના નિર્ણયની તરફેણ કરતો આદેશ આપ્યો.

ખેર, આપણે આ આદેશની નહીં પણ દાઢીની વાત કરવાના છીએ. સેનાના અધિકારીઓ માટે દાઢી રાખવા પર ભલે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય પણ થોડા દિવસ પહેલાં જ ભારતમાં પહેલી વાર દાઢી અને મૂછની રાષ્ટ્રીય સ્પર્ધા યોજાઇ ગઇ. બેંગાલુરુમાં યોજાયેલી આ સ્પર્ધાને નો શેવ નવેમ્બર અંતર્ગત આયોજિત કરવામાં આવી હતી અને ૬૦૦ જેટલા લોકોએ તેમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં જુદી જુદી કેટેગરીમાં વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા. હકીકત એ છે કે યુવાનોમાં છેલ્લા કેટલાક સમયથી દાઢી વધારવાનો ટ્રેન્ડ પૂરબહારમાં ખીલ્યો છે. સામાન્ય રીતે એમ કહેવાય છે કે દાઢી રાખવાથી વ્યક્તિની ત્વચાને ધૂળ-પ્રદૂષણથી ઓછું નુકસાન થાય છે, આ ઉપરાંત ત્વચા પર પડતી કરચલીઓ છુપાવી શકાય છે.

વેલ, વડી અદાલતે ભલે દાઢી નહીં રાખવાનો નિર્ણય આપ્યો હોય પણ ઇ.સ.પૂર્વે ૩૪૫માં એલેક્ઝાન્ડર ધ ગ્રેટે પણ તેના સૈન્યને દાઢી નહીં રાખવાનો આદેશ આપ્યો હતો. જો કોઇ સૈનિક દાઢી રાખે તો તેને દંડ આપતો. રાતની સરખામણીમાં દિવસે દાઢી બમણી ઝડપથી ઊગે છે. દાઢી ભલે આજકાલ સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવતી હોય પણ દાઢી રાખવાનો વિક્રમ તો ૧૯૨૭માં પણ નોંધાયો છે. વર્ષ ૧૯૨૭ના ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અનુસાર નોર્વેની એક વ્યક્તિની દાઢી ૧૭.૪ ફીટ જેટલી લાંબી હતી.
http://sambhaavnews.com/

You might also like