પાર્કિંગનો ચાર્જ ચૂકવવા તૈયાર રહો, સાત નવાં પે એન્ડ પાર્ક બનશે

અમદાવાદ: મેગા સિટી અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન વિકટ બનતી જાય છે. શહેરમાં એએમટીએસ બસ સેવાનાં ધાંધિયાં અને બીઆરટીએસ બસ સેવાના મર્યાદિત વ્યાપના કારણે ખાનગી વાહનોની સંખ્યા કૂદકે અને ભૂસકે વધતી જાય છે.

દરરોજ ૮૦૦ નવાં વાહન રજિસ્ટર થતાં હોઈ તેમના પાર્કિંગનો પ્રશ્ન જટિલ બન્યો છે, જોકે મ્યુનિસિપલ કમિશનર મૂકેશકુમારે માટે નાગરિકો નવા પે એન્ડ પાર્કની સુવિધા ઊભી કરવાની દિશામાં તંત્રને માર્ગદર્શન આપતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સૌથી મોટા નવા પશ્ચિમ ઝોનમાં આગામી છ મહિનામાં સાત નવા પે એન્ડ પાર્ક બનશે.

હાલમાં શહેરમાં ૭.૫૦ લાખ ફોર વ્હીલર, ૨૮ લાખ ટુ વ્હીલર, ૧.૨૫ લાખ ઓટોરિક્ષા, ૩૮૦૦ લકઝરી બસ, ૩૦૦૦ માલવાહક ટ્રક આરટીઓમાં રજિસ્ટર્ડ થયાં છે. જે પ્રકારે દરરોજ નવાં ૮૦૦ વાહનનું રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે તે જોતાં શહેરમાં આગામી પાંચ વર્ષમાં નવાં ૧૨.૭૭ લાખથી વધુ વાહન ઉમેરાશે.

ટ્રાફિકની સમસ્યા ઉકેલવા તંત્ર દ્વારા નવા નવા બ્રિજના પ્રોજેક્ટ હાથ પર લેવાઈ રહ્યા છે, પરંતુ નાગરિકોને પોતાનાં વાહન જે તે સ્થળે પાર્ક કરીને શોપિંગ કે અન્ય કામકાજ કરવા માટે પણ રીતસરના ફાંફે ચડવું પડે છે.

તાજેતરમાં કમિશનર મૂકેશકુમાર દ્વારા શહેરીજનોને નવાં પે એન્ડ પાર્કની સગવડ ઉપલબ્ધ કરાવવાની દિશામાં કવાયત હાથ ધરાઈ છે, જેના ફળસ્વરૂપે નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા કુલ સાત પ્લોટને પે એન્ડ પાર્ક હેતુ માટે પસંદ કરાયાં છે.

આ સાત પ્લોટમાં પ્રસિદ્ધ પ્રહ્લાદનગર ગાર્ડનની સામે બે પે એન્ડ પાર્ક ઊભાં કરવાના પ્લોટનો પણ સમાવેશ કરાયો છે. સહેલાણીઓને પ્રહ્લાદનગર ગાર્ડનની સામે કુલ ૭૦૦ ટુ વ્હીલર અને ૧૫૦ ફોર વ્હીલર પાર્ક કરવાની સગવડ ઉપલબ્ધ થનાર હોઈ હાલની પાર્કિંગની સમસ્યા દૂર થશે.

આ ઉપરાંત બોડકદેવ વોર્ડમાં શિવરંજનીબ્રિજ ઊતરતાં કેશવબાગ પાર્ટી પ્લોટ સામેના પ્લોટમાં ૨૨૫ ટુ વ્હીલર અને ૨૫ ફોર વ્હીલર મળીને કુલ ૨૫૦ વાહન પાર્કિંગની સુવિધા ધરાવતો પે એન્ડ પાર્ક બનાવાશે. તંત્ર દ્વારા નવા પશ્ચિમ ઝોનમાં સાત પે એન્ડ પાર્ક પૈકી સૌથી વિશાળ પે એન્ડ પાર્ક બોડકદેવના સિંધુભવન રોડ પર અરિસ્ટાની બાજુમાં બનાવાશે. આ સઘળા પે એન્ડ પાર્કમાં કુલ ૩૧૪૫ ટુ વ્હીલર અને ૬૬૦ ફોર વ્હીલર પાર્ક કરી શકાશે.

તંત્રના યુસીડી વિભાગ દ્વારા એસજી હાઈવે પરના કાર‌િગલ પેટ્રોલ પંપની પાછળના પ્લોટમાં ૬૦૦ ટુ વ્હીલર અને ૧૨૦ ફોર વ્હીલર સહિત કુલ ૭૨૦ વાહન પાર્કિંગની વ્યવસ્થા ધરાવતો પે એન્ડ પાર્ક તેમજ પ્રહ્લાદનગર ગાર્ડન સામેના બે મળીને કુલ ત્રણ પે એન્ડ પાર્કના નિર્માણની દિશામાં કામગીરી શરૂ કરી દેવાઇ છે, જે આગામી છ મહિના સુધીમાં પૂર્ણ કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે નવા પશ્ચિમ ઝોનમાં પ્રહ્લાદનગર રોડ સહિતનાં સ્થળોએ પાર્કિંગની સુવિધાના પ્રોજેક્ટ નિષ્ફળ નિવડ્યા છે. ફક્ત વર્ષ ૨૦૧૫માં એસજી હાઈવે પર પકવાન ચાર રસ્તાથી કર્ણાવતી કલબ સુધીના પટ્ટા પર ૨૨૮ ફોર વ્હીલર અને ૯૪૦ ટુ વ્હીલરના પાર્કિંગની સુવિધા ધરાવતાે પે એન્ડ પાર્ક કંઈક અંશે સફળ થયો છે.

નવા પશ્ચિમ ઝોનના પે એન્ડ પાર્કની યાદી
ટીપી સ્કીમ પે એન્ડ પાર્ક ટુ વ્હીલર ફોર વ્હીલર કુલ
૪૩ (સોલા) કાર‌િગલ પેટ્રોલ પંપની પાછળ ૬૦૦ ૧૨૦ ૭૨૦
અમીરાજ ફાર્મ સામે
૫૬ (સોલા-ગોતા-આેગણજ) ગોતા-સરખેજબ્રિજ નીચે ૨૭૦ ૪૦ ૩૧૦
અંબિકા દાળવડા પાસે
૫૦ (બોડકદેવ) અરિસ્ટાની બાજુમાં ૧૦૦૦ ૨૪૦ ૧૨૪૦
સિંધુ ભવન રોડ, બોડકદેવ
૨૩ (વેજલપુર) પ્રહ્લાદનગર ગાર્ડન સામે ૪૦૦ ૯૦ ૪૯૦
મશીનરીવાળો પ્લોટ
૨૫ (વેજલપુર) પ્રહ્લાદનગર ગાર્ડન સામે ૩૦૦ ૬૦ ૩૬૦
મશીનરીવાળો પ્લોટ
૪૫ (ચાંદલોડિયા-ઘાટલોડિયા) સિલ્વર સ્ટાર ચાર રસ્તા પાસે ૪૦૦ ૮૫ ૪૮૫
૩૧ (યુનિવર્સિટી) શિવરંજનીબ્રિજ ઊતરતાં, ૨૨૫ ૨૫ ૨૫૦
કેશવબાગ પાર્ટી પ્લોટ સામે)

You might also like