રંગ લાવી રાહુલ દ્રવિડની મહેનતઃ BCCI મોટી જવાબદારી સોંપશે

(એજન્સી) મુંબઈ: ભારતીય અંડર-૧૯ ટીમને ક્રિકેટનો કક્કો શીખવતા રાહુલ દ્રવિડને ટૂંક સમયમાં પ્રમોશન મળવાનું છે. દ્રવિડને BCCIની બેંગલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA)નો કાર્યભાર સોંપવામાં આવે તેવી શક્યતા છે. અહેવાલો અનુસાર BCCI દ્રવિડને ‘ડિરેક્ટર ઓફ ક્રિકેટ’ના પદ પર નિયુક્ત કરી શકે છે.

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડ હાલ અંડર-૧૯ અને ઇન્ડિયા-એ ટીમના કોચની ભૂમિકા નિભાવી રહ્યો છે. આ જ કારણથી ઘરેલુ ક્રિકેટ અને એનસીએ પર તેનો ઘણો જ પ્રભાવ છે. અહેવાલો અનુસાર સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલી સીઓએ ટૂંક સમયમાં આ નવી ભૂમિકા અંગે જાહેરાત કરશે અને દ્રવિડ ઉપલબ્ધ થતાં જ તેને આ પદ પર નિયુક્ત કરી દેવાશે.

સૂત્રોએ જણાવ્યું, ”રાહુલ જુનિયર ક્રિકેટને ઘણા સમયથી સંભાળી રહ્યો છે અને તેનાં શાનદાર પરિણામ મળ્યાં છે. એ સ્વાભાવિક છે કે તે એનસીએ સાથે જોડાઈ રહ્યો છે. હવે તે એકેડેમીમાં મોટો ફેરફાર લાવવા માટે તૈયાર છે. જેવો દૃષ્ટિકોણ રાહુલ પાસે છે, એનાથી એ તો નક્કી જ છે કે આ ભૂમિકા તેની જ છે.”

જો રાહુલ દ્રવિડ નેશનલ ક્રિકેટ એકેડેમીનો કાર્યભાર સંભાળી લેશે તો એવું કહી શકાય કે ભારતીય ક્રિકેટનું ભલું જ થશે, કારણ કે દ્રવિડે અંડર-૧૯ માટે બહુ જ સારું કામ કર્યું છે. દેશને પૃથ્વી શો, શુભમન ગિલ અને શિવમ્ માવી જેવા ખેલાડી આપ્યા છે.

You might also like