BCCIએ પસંદગીકારો- અમ્પાયરોને ઇન્ક્રિમેન્ટ આપ્યું!

નવી દિલ્હીઃ બીસીસીઆઇએ ત્રણેય રાષ્ટ્રીય પસંદગીકારોની ફી વધારવાની સાથે-સાથે અમ્પાયરો, સ્કોરર અને વીડિયો વિશ્લેષકોની ફી પણ બે ગણી કરવાનો નિર્ણય કર્યો છે. બીસીસીઆઇની સબા કરીમની અધ્યક્ષતાવાળી ક્રિકેટ સંચાલન કમિટીએ આ નિર્ણય કર્યો છે.

સીઓએને પણ લાગે છે કે મુખ્ય પસંદગીકાર એમ.એસ.કે. પ્રસાદ એન્ડ કંપનીને તેમની સેવાઓનો ફાયદો મળવો જોઈએ. સૌથી દિલચસ્પ વાત તો એ છે કે બીસીસીઆઇના કોષાધ્યક્ષ અનિરુદ્ધ ચૌધરીને આ નિર્ણયની કોઈ જ જાણકારી નથી.

હાલ પસંદગી સમિતિના ચેરમેનને વાર્ષિક ૮૦ લાખ રૂપિયા, જ્યારે અન્ય પસંદગીકારને ૬૦ લાખ રૂપિયા મળે છે. નવા નિર્ણય મુજબ હવે પસંદગી સમિતિના ચેરમેનને એક કરોડ અને તેમના સહયોગીએ રૂ, ૭૫થી ૮૦ લાખની વચ્ચેની રકમ મળશે.

છ વર્ષ બાદ અમ્પાયરો, સ્કોરરો અને વીડિયો વિશ્લેષકોની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. વધેલી ફી બાદ હવે અમ્પાયરોને પ્રથમ શ્રેણી, ત્રણ દિવસીય અથવા વન ડે મેચ માટે પ્રતિદિન રૂ. ૨૦,૦૦૦ના બદલે રૂ. ૪૦,૦૦૦ મળશે. જ્યારે ટી-૨૦ મેચ માટે રૂ. ૧૦,૦૦૦ના સ્થાને રૂ. ૨૦,૦૦૦ મળશે.

મેચ રેફરીને પ્રથમ શ્રેણી અને વન ડે મેચ માટે રૂ. ૩૦,૦૦૦, જ્યારે ટી-૨૦ મેચ માટે રૂ. ૧૫,૦૦૦ મહેનતાણું ચૂકવાશે. સ્કોરરને હવે રૂ. ૫,૦૦૦ના બદલે પ્રતિદિન રૂ. ૧૦,૦૦૦ મળશે, જ્યારે વીડિયો વિશ્લેષકને લાંબા ફોર્મેટ માટે પ્રતિદિન રૂ. ૧૫,૦૦૦ અને ટી-૨૦ મેચ માટે રૂ. ૭,૫૦૦ની ફી મળશે.

ગત ૧૨ એપ્રિલે સીઓએ સાથે યોજાયેલી બેઠક દરમિયાન સબા કરીને ફી વધારવાની માગણી કરી હતી, જોકે બીસીસીઆઇના કોષાધ્યક્ષ અનિરુદ્ધ ચૌધરીને આ નાણાકીય નિર્ણયોથી દૂર રાખવામાં આવ્યા છે. બીસીઆઇના અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું, ”મને યાદ છે કે અનિરુદ્ધે ગત વર્ષે નાણાકીય સમિતિની બેઠક દરમિયાન આ વધારાનું સૂચન કર્યું હતું, પરંતુ મને નથી લાગતું કે આ વખતે તેમને આ નિર્ણયમાં સામેલ કરવામાં આવ્યા હોય.”

You might also like