બીસીસીઆઇએ સીએસકેને રૂ.૧પ.૬૭ કરોડનું પેમેન્ટ કર્યું

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઇ) સસ્પેન્ડ થયેલ આઇપીએલ ફ્રેન્ચાઇઝી ચેન્નઇ સુપર કિંગ્સ (સીએસકે)ને રૂ.૧પ.૬૭ કરોડથી વધુ રકમની ચૂકવણી કરી છે. આઇપીએલની આઠમી સિઝનની કેન્દ્રીય અધિકાર આવકમાં આ સીએસકેના હિસ્સાની રકમ છે.

બીસીસીઆઇની સત્તાવાર વેબસાઇટ પર રૂ.રપ લાખ કે તેનાથી વધુ રકમના પેમેન્ટની જે યાદી પોસ્ટ કરવામાં આવી છે તે અનુસાર સીએસકેને કેન્દ્રીય અધિકાર આવકના ત્રીજા હપતા પેટે રૂ.૧પ.૬૭ કરોડથી વધુ રકમનું પેમેન્ટ કરવામાં આવ્યું છે. પેમેન્ટની આ યાદી પરથી જાણવા મળ્યું છે કે બીસીસીઆઇએ કુકાબુરા સ્પોર્ટસ ઇન્ડિયાને આગામી વર્લ્ડ ટ‌ી ર૦ ચેમ્પિયનશિપ દરમિયાન ઉપયોગમાં લેેવામાં આવનાર સફેદ કુકાબુરા બોલ્સ માટે રૂ.પ૮.૧ર લાખનું પેમેન્ટ કરવામાં આવ્યું છે.

જમ્મુ કાશ્મીર રણજી ટ્રોફી ટીમ માટે સારા સમાચાર છે. કારણ કે બીસીસીઆઇએ ર૦૧૪-૧પ રણજી ટ્રોફી સિઝનની મેચ ફી, સબસિડી અને અન્ય ખર્ચ માટે રૂ.૮૮ લાખથી વધુ રકમની મંજૂરી આપી દીધી છે. હૈદરાબાદ, બંગાળ અને ગુજરાત જેવાં કેટલાંક મોટાં રાજ્ય એસોસિયેશનને આપવામાં આવનારી રકમમાંથી વધારાની એડ્વાન્સ ચુકવણી પેટે રૂ.૮.૪૩ કરોડ આપવામાં આવ્યા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને આઇપીએલ ર૦૧૪ માટે ખેલાડીઓને રિલીઝ કરવાની ફી પેટે ૧૩.૭૦ લાખ ઓસ્ટ્રેલિયન ડોલર (રૂ.૬.૬૯ કરોડ)નું પેમેન્ટ કરવામાં આવ્યું છે.

You might also like