BCCIની નવી ફોર્મ્યુલા પ્રેક્ટિસ નહીં, સીધો જંગ

અમદાવાદઃ કહેવાય છે કે અભ્યાસ વિના જંગ નથી જીતી શકાતો અને બીસીસીઆઇ પોતાની ટીમની જીતની રાહ આસાન બનાવવા માટે આ ફોર્મ્યુલા અપનાવીને ભારતીય ધરતી પર રમવા આવતી વિદેશી ટીમને વોર્મઅપ મેચ રમવાની બહુ ઓછી તક આપે છે. અગાઉ દક્ષિણ આફ્રિકા, પછી ન્યૂઝીલેન્ડ અને હવે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમવા આવેલી ઇંગ્લિશ ટીમ સાથે પણ આવું જ બન્યું છે.
ઈંગ્લેન્ડની ટીમ ગત બે નવેમ્બરે ભારત આવી પહોંચી હતી અને હવે સીધી રાજકોટમાં ટેસ્ટ રમી રહી છે. ટીમના આગમન અને પ્રથમ ટેસ્ટ પૂર્વે ઓછામાં ઓછી બે દિવસની વોર્મઅપ મેચ રમવાની ઈંગ્લેન્ડને તક અપાઈ શકી હોત, પરંતુ એવું બન્યું નહીં.

જોકે બીસીસીઆઇના સચિવ અજય શિર્કે કહી ચૂક્યા છે કે લોઢા સમિતિની ભલામણોને લઈને ચાલી રહેલા ઊહાપોહને કારણે આવું બની શક્યું નહીં. કોઈ પણ મહેમાન ટીમ માટે વિદેશ પ્રવાસ પર પ્રેક્ટિસ મેચનું કંઈક અલગ જ મહત્ત્વ હોય છે. એમાંય મોટી શ્રેણી પહેલાં આ બાબત વધુ મહત્ત્વપૂર્ણ બની જાય છે, કારણ કે વોર્મઅપ મેચને કારણે મહેમાન ટીમને યજમાન દેશની પરિસ્થિતિ, હવામાન અને પીચને સમજવાનો મોકો મળે છે, પરંતુ પ્રેક્ટિસ મેચ ન આપવી એને જ બીસીસીઆઇએ પોતાની રણનીતિ બનાવી લીધી છે.

ઇંગ્લિશ ટીમે પાંચેક દિવસ પ્રેક્ટિસ કરીને કામ ચલાવી લીધું છે. જો શિર્કેની વાત માની પણ લેવામાં આવે તો પાછલી રમાઈ ગયેલી શ્રેણીઓ પરથી પણ જાણવા મળે છે કે બીસીસીઆઇ પોતાની ધરતી પર રમાનારી મેચમાં વધુમાં વધુ મેચ જીતવા ઇચ્છે છે અને એ જ કારણ છે કે વિદેશી ટીમને ઓછામાં ઓછી પ્રેક્ટિસ મેચ અપાય.

ગત વર્ષે ભારતના પ્રવાસે આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમને પણ ત્રણ ટી-૨૦ અને પાંચ વન ડે મેચની શ્રેણી પહેલાં ફક્ત ભારત-એ સામે એકમાત્ર ટી-૨૦ પ્રેક્ટિસ મેચ રમવા દેવામાં આવી હતી. ત્યાર બાદ દક્ષિણ આફ્રિકાએ ભારતમાં ચાર ટેસ્ટની શ્રેણી રમી હતી, જેની પહેલાં તેમને ફક્ત બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવનની ટીમ સામે ફક્ત એક અભ્યાસ મેચ રમવાની તક અપાઈ હતી. આ અંગે દક્ષિણ આફ્રિકાના કેટલાક ખેલાડીઓએ નારાજગી પણ વ્યક્ત કરી હતી. ભારતે ટેસ્ટ શ્રેણીમાં દ. આફ્રિકાને ૩-૦થી પરાજય આપ્યો હતો. એક મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.

ન્યૂઝીલેન્ડની ટીમ ભારતમાં ત્રણ ટેસ્ટ અને પાંચ વન ડેની શ્રેણી રમીને ગઈ. એ દરમિયાન ન્યૂઝીલેન્ડને ફક્ત એક જ ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ મુંબઈની રણજી ટીમ સામે રમવાની તક મળી. ભારતે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પણ ટેસ્ટ શ્રેણી ૩-૦થી જીતી લીધી. નિશ્ચિત રીતે જ હવે ઈંગ્લેન્ડના પણ ભારતીય પીચો પર આવા જ હાલ થવાના છે એમાં કોઈ શંકા નથી. મહેમાન ટીમને ઓછામાં ઓછી પ્રેક્ટિસ મેચ ફાળવવાની બીસીસીઆઇએ જાણે કે રણનીતિ જ બનાવી લીધી છે.

You might also like