શશાંક જ BCCIને ૩૦૦૦ કરોડનો ચૂનો ચોપડશે?

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બીસીસીઆઇનો દબદબો કોઈથી અજાણ્યો નથી, પરંતુ હવે આ દબદબાને પડકાર મળતો દેખાઈ રહ્યો છે અને આ પડકાર આપવાનું કામ એક ભારતીય દ્વારા જ થઈ રહ્યું છે. આ ભારતીય છે આઇસીસીના વર્તમાન અધ્યક્ષ શશાંક મનોહર.

બીસીસીઆઇની આંતરરાષ્ટ્રીય બિરાદરીમાં સૌથી ઊંચી હેસિયત હોવાનું કારણ બીસીસીઆઇની આર્થિક સ્થિતિ પણ છે, પરંતુ હવે કદાચ આમાં ઊણપ આવી શકે છે. દુબઈમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની યોજાનારી બેઠકમાં એક પ્રસ્તાવ પસાર થાય તેવી શક્યતા છે, જેના કારણે ૨૦૧૫-૨૦૨૩ દરમિયાન બીસીસીઆઇને ૯૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે.

આનું સીધું કારણ આઇસીસીની રેવન્યૂ ડિસ્ટ્રિબ્યૂશન નીતિમાં થનારા ફેરફાર છે, જે અંતર્ગત આઇસીસીના કાયમી સભ્યોમાં નાણાંની વહેંચણી થાય છે. આઇસીસીને લગભગ ૫૦૭ મિલિયન ડોલર મળવાની આશા છે. જોકે શશાંક મનોહરનો િનર્ણય બિગ થ્રી – ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ભાગીદારીને ૨૧.૯ ટકાથી ઘટાડીને ૧૫ ટકા કરવાનો છે. આના કારણે ભારતીય બોર્ડને લગભગ ૯૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થવાની શક્યતા છે.

ત્યાર પછીનાં આઠ વર્ષમાં એટલે કે ૨૦૨૩-૨૦૩૧ દરમિયાન બીસીસીઆઇનું નુકસાન વધીને ૨૦૦૦ કરોડ રૂપિયા સુધી જઈ શકે છે. એટલે કે આગામી ૧૪ વર્ષ (૨૦૧૭થી ૨૦૩૧ સુધી)માં ભારતનું કુલ નુકસાન રૂ. ૩૦૦૦ કરોડનું થઈ શકે છે. જો આઇસીસી અથવા શશાંક મનોહર આવો નિર્ણય લેશે તો જોવાનું એ રહેશે કે બીસીસીઆઇ આના જવાબમાં કયાં પગલાં ઉઠાવે છે. શશાંક પર પહેલાંથી જ બીસીસીઆઇની અવગણના કરવાનો આરોપ લાગતો રહ્યો છે.

http://sambhaavnews.com/

You might also like