વિરાટ & કંપનીની વેતનવૃદ્ધિ સામે BCCIના સભ્યો મેદાને

નવી દિલ્હીઃ ભારતીય ટીમના ખેલાડીઓની વેતનવૃદ્ધિને લઈ કેપ્ટન વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની અને કોચ રવિ શાસ્ત્રીએ તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત વહીવટદારોની સમિતિ (સીઓએ) સાથે મુલાકાત કરી હતી. સીઓએ આગામી સિઝનમાં સિનિયર ટીમની સાથે સાથે જુનિયર ટીમના ખેલાડીઓની વેતનવૃદ્ધિ કરવા ઇચ્છે છે, પરંતુ બીસીસીઆઇના પદાધિકારીઓ સહિત મોટા ભાગના સભ્યો આની વિરુદ્ધમાં છે.

સીઓએ વેતનવૃદ્ધિ અંગે એક પ્રસ્તાવ તૈયાર કરી રહ્યા છે, જેનાથી વિરાટ એન્ડ કંપની અને જુનિયર ક્રિકેટર્સનાં વેતન લગભગ બમણાં થઈ શકે છે. આ પ્રસ્તાવને મંજૂરી માટે બીસીસીઆઇની સામાન્ય સભામાં મોકલાશે, પરંતુ બોર્ડના મોટા ભાગના સભ્ય સિનિયર ક્રિકેટરનાં વેતન બમણાં કરવાના વિરોધમાં છે.

બોર્ડના એક અધિકારીએ કહ્યું કે બીસીસીઆઇ ઉપર ૪૯૦૦ કરોડ રૂપિયાનું સંભવિત દેવું છે. અમે આ વર્ષે જ સિનિયર ક્રિકેટરનાં વેતન વધાર્યાં છે. અમે પાણીની જેમ નાણાં ખર્ચી શકીએ નહીં. અમે જુનિયર ક્રિકેટર્સની મેચ ફી વધારવાના પક્ષમાં છીએ. આ અંગે બીસીસીઆઇની ફાઇનાન્સ કમિટીના અધ્યક્ષ જ્યોતિરાદિત્ય સિંધિયાને દરખાસ્ત મોકલાઈ હતી.

આઈસીસી સાથે સમજૂતી શા માટે કરી?
હાલ બીસીસીઆઇની વાર્ષિક કમાણીના ૨૬ ટકા નાણાં ક્રિકેટર્સને આપવામાં આવે છે, એમાં ૧૩ ટકા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ માટે, ૧૦.૬ ટકા જુનિયર ક્રિકેટર્સ માટે હોય છે અને બાકીનાં નાણાં મહિલા અને અન્ય જુનિયર્સ માટે હોય છે. બોર્ડના અધિકારીએ કહ્યું કે સીઓએ જો સિનિયર ખેલાડીઓનું વેતન વધારવા ઇચ્છતા હોય તો તેમણે બીસીસીઆઇની પોલિસી બદલવી પડશે.

આ બોર્ડની સામાન્ય સભાની મંજૂરી વિના થઈ શકે નહીં. જો આ દરખાસ્ત અમારી પાસે આવશે તો અમે તેનો વિરોધ કરીશું. આમ છતાં જો સીઓએ આવું કરશે તો પછી અમે એ અંગે શું કરવું તે વિચારીશું. બીસીસીઆઇને બચાવવા માટે જો અમારે ખરાબ બનવું પડે તો અમે ખરાબ બનીશું.

આ અધિકારીના જણાવ્યા અનુસાર આપણને આઇસીસીના બિગ-થ્રી મોડલ અંતર્ગત આઠ વર્ષમાં ૬૦૦ મિલિયન ડોલર મળવાના હતા, પરંતુ સીઓએના પ્રતિનિધિ અને બોર્ડના સીઈઓ રાહુલ જૌહરી ૪૦૦ મિલિયન ડોલરની રકમ પર સંમત થઈ ગયા. જો આપણને ૬૦૦ મિલિયન ડોલર મળ્યા હોત તો તેની ૨૬ ટકા રકમ ખેલાડીઓમાં વહેંચી દેવાત.

આઈપીએલની કમાણી કરતાં તો ખર્ચ વધારે
અધિકારીએ જણાવ્યું કે બીસીસીઆઇને આઇપીએલની મેચના પ્રસારણ અધિકારથી આગામી દસ વર્ષમાં સ્ટાર ઇન્ડિયા તરફથી ૧૬,૩૪૭ કરોડ રૂપિયા મળવાના છે, જેની સામે આપણે આ ટૂર્નામેન્ટને ઊંચા સ્તરે લઈ જવાની છે. મળી રહેલાં આ નાણાંની આવી રીતે લહાણી કરી શકાય નહીં. બીસીસીઆઇ પર ઘણું દેવું છે.

You might also like