કોચની પસંદગીમાં પણ ફિક્સિંગની ગંધ?

ધર્મશાલાઃ ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ લેગ સ્પિનર અનિલ કુંબલેને એક જમાનામાં તેની સાથે રમી ચૂકેલા સચીન તેંડુલકર, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી, વીવીએસ લક્ષ્મણની ક્રિકેટ સલાહકાર સમિતિએ એક વર્ષ માટે ભારતીય ટીમનો મુખ્ય કોચ બનાવી દીધો.

આ બધા વચ્ચે એક સમન્વય જ છે કે કોચ માટે બીસીસીઆઇએ આપેલી જાહેરાતની બે શરતો પૂરી ના કરવા છતાં કુંબલેને મુખ્ય કોચ બનાવી દેવાયો. આ પદ માટે બીસીસીઆઇએ જે જાહેરાત આપી હતી તેના બે નિયમ કુંબલેની વિરુદ્ધ હતા. કુંબલેએ ક્યારેય કોઈ જ આંતરરાષ્ટ્રીય ટીમને કોચિંગ આપ્યું નથી અને ના તો તેની પાસે એનસીએ કે તેના સ્તરનું કોચિંગ સર્ટિફિકેટ છે. આમ છતાં કુંબલેના નામનો સ્વીકાર કરી લેવાયો. જોકે તે મુંબઈ ઇન્ડિયન્સનો મેન્ટર રહી ચૂક્યો છે. અત્યાર સુધી ભારતીય કોચ રહી ચૂકેલા લોકોમાં કુંબલે પાસે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનો અનુભવ છે ખરો.

વિરાટ-ધોનીની પસંદ
વર્તમાન ભારતીય ટીમમાં મહેન્દ્રસિંહ ધોની સિવાય એવો કોઈ ખેલાડી નથી, જે કુંબલે સાથે વધુ ક્રિકેટ રમ્યો હોય અને ભૂતપૂર્વ ટીમ ડિરેક્ટર રવિ શાસ્ત્રીની જેમ કુંબલેનો કોઈ સાથે કોઈ જાતનો વિવાદ પણ નથી. શાસ્ત્રીના સંબંધ વન ડે અને ટી-૨૦ કેપ્ટન ધોની સાથે બહુ સારા નહોતા, જ્યારે ટેસ્ટ કેપ્ટન વિરાટ સાથે શાસ્ત્રીને સારા સંબંધ છે. જોકે કુંબલેનું કદ એટલું મોટું છે કે તે ધોની અને વિરાટ પર પ્રભુત્વ મેળવી ટીમને આગળ વધારી શકે છે, જ્યારે કોઈ વિદેશીને કોચ બનાવ્યો હોત તો આટલું સરળ ના હોત. એ જ કારણ છે કે શાસ્ત્રી કોચપદની રેસમાંથી બહાર થઈ ગયો.

કુંબલે સર સાથે કામ કરવા ઉત્સુક છુંઃ વિરાટ
ભારતના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ અનિલ કુંબલેની મુખ્ય કોચ પર થયેલી નિમણૂકનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે તે આ મહાન લેગ સ્પિનર સાથે કરવા ઉત્સુક છે. કોહલીએ ટ્વિટ કર્યું, ”અનિલ કુંબલે સર, તમારું હાર્દિક સ્વાગત છે. અમારી સાથે તમારા કાર્યકાળને લઈને હું ઉત્સાહિત છું. તમારી સાથે રહીને ભારતીય ક્રિકેટ માટે ઘણી સારી ચીજો થઈ શકશે.”

You might also like