BCCIએ દુબઈમાં પાક. સામે ક્રિકેટ રમવાની સરકાર પાસે મંજૂરી માગી

નવી દિલ્હીઃ આ વર્ષના અંતમાં ભારતીય ક્રિકેટ ટીમ દુબઈમાં પાકિસ્તાન સામે ક્રિકેટ શ્રેણી રમે તેવી શક્યતા છે. બીસીસીઆઇ ઇચ્છે છે કે બંને દેશ વચ્ચે ક્રિકેટ રમાય અને આના માટે બીસીસીઆઇ દ્વારા સરકાર પાસે મંજૂરી માગવામાં આવી છે. આ અંગે બીસીસીઆઇએ ગૃહ મંત્રાલયને એક પત્ર લખ્યો છે, જેથી ભવિષ્યમાં ફ્યૂચર ટૂર એન્ડ પ્રોગ્રામ સમજૂતી અંતર્ગત પોતાની જવાબદારીઓને પૂરી કરવા માટે પાકિસ્તાન સાથે રમવાની મંજૂરી લઈ શકાય.

અગાઉ શશાંક મનોહરની અધ્યક્ષતામાં બીસીસીઆઇ વર્ષ ૨૦૧૬માં એક નાની શ્રેણી માટે પાકિસ્તાની ટીમની યજમાની કરવા માગતી હતી, પરંતુ બંને દેશ વચ્ચે તણાવ અને ભારતીય ધરતી પર થયેલા આતંકી હુમલાઓને કારણે ભારત સરકારે મંજૂરી આપી નહોતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે બીસીસીઆઇએ સરકારની મંજૂરી માગવા માટે ગૃહ મંત્રાલયનો સંપર્ક સાધ્યો છે. એક સૂત્રએ જણાવ્યું, ”અમે નહોતા જાણતા કે સરકારનું વલણ કેવું હશે, પરંતુ આ વખતે ભારતીય ટીમ દુબઈમાં પાકિસ્તાન સામે એક શ્રેણી રમવા ઇચ્છે છે. ભૂતકાળમાં બંને દેશ વચ્ચે તણાવ ચરમસીમાએ હતા.”

ભારતીય બોર્ડ સપ્ટેમ્બર અથવા નવેમ્બરમાં પાકિસ્તાન સામે ક્રિકેટ રમવાની મંજૂરી ઇચ્છે છે. બીસીસીઆઇએ ચેમ્પિયન્સ લીગ ટી-૨૦ માટે સપ્ટેમ્બર મહિનો રિઝર્વ રાખ્યો હતો, પરંતુ આ ટૂર્નામેન્ટને બંધ કરી દેવામાં આવી છે. જાણવા મળ્યું છે કે બીસીસીઆઇ નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકાના ભારતના પ્રવાસ પહેલાં દુબઈમાં એક નાની શ્રેણી રમવા ઇચ્છે છે.
http://sambhaavnews.com/

You might also like