…તો BCCIની આવક રૂપિયા ૨૦૦૦ કરોડથી ઘટીને ૪૦૦ કરોડ થઈ જશે

નવી દિલ્હીઃ જો મેચની વચ્ચે બતાતાવી જાહેરાતો હટાવવાની લોઢા સમિતિની ભલામણો સ્વીકારી લેવામાં આવે તો બીસીસીઆઇને ૧૬૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. કમાણીમાં કાપની અસર દુનિયાના સૌથી ધનવાન ક્રિકેટ બોર્ડના સંચાલન પર પડશે અને સાથે જ જુનિયર ક્રિકેટનો વિકાસ પણ પ્રભાવિત થશે. બીસીસીઆઇની બેલેન્સ શીટ અનુસાર તેની આવક અત્યારે લગભગ ૨૦૦૦ કરોડ રૂપિયાની છે અને તેનો સૌથી મોટો હિસ્સો પ્રસારણ અધિકાર અને જાહેરાતમાંથી મળે છે.

લોઢા સમિતિની ભલામણોમાં ફક્ત લંચ, ટી ટાઇમ અને ડ્રિન્ક્સ બ્રેક દરમિયાન જ જાહેરાત દેખાડવાની વાત કહેવામાં આવી છે અને જો આ ભલામણ લાગુ કરવામાં આવે તો આ કમાણી ફક્ત ૪૦૦ કરોડ રૂપિયા રહી જશે. આમ બીસીસીઆઇને રૂ. ૧૬૦૦ કરોડનું નુકસાન થઈ શકે છે. બોર્ડનાં સૂત્રોના જણાવ્યા અનુસાર મેચોના પ્રસારણ હક ધરાવતી કંપની સ્ટાર સ્પોર્ટ્સ હાલ પ્રતિ મેચ ૪૩ કરોડ રૂપિયા બીસીસીઆઇને ચૂકવે છે. હવે જો લોઢા સમિતિની ભલામણો સ્વીકારવામાં આવે તો આ રકમ ફક્ત આઠથી દસ કરોડ થઈ જાય.

આ અંગે બીસીસીઆઇના એક સૂત્રએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે, ”હા, એ વાત સાચી છે કે અમે આવી સ્થિતિનો સામનો કરી રહ્યા છીએ, જેમાં અમારી કમાણી બહુ ઘટી જશે. સ્ટાર સ્પોર્ટ્સ પોતાના કરાર અંગે ફરીથી વાતચીત કરશે અને અત્યારે અમને પ્રતિ મેચ જે રકમ મળે છે તે કદાચ બાદમાં ૨૦થી ૨૫ ટકા જ રહી જશે. આ જ વાત આઇપીએલના પ્રસારકો અંગે પણ લાગુ પડી શકે છે.”

આની ઘણી દૂરોગામી અસરો પડશે તથા ભારતના વિદેશ પ્રવાસ દરમિયાન ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ કે ઓસ્ટ્રેલિયા જેવા યજમાન દેશ પ્રસારણ અધિકારોથી ભારતની સરખામણીમાં વધુ કમાણી કરશે. જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર એવી પૂરી શક્યતા છે કે આનાથી બીબીસીસીઆઇનો ઢાંચો બહુ ખરાબ રીતે પ્રભાવિત થશે. બીસીસીઆઇ લગભગ ૭૫૦ કરોડ રૂપિયા રાજ્ય ક્રિકેટ સંઘો માટે સબસિડી અને લગભગ ૪૦૦થી ૫૦૦ કરોડ રૂપિયા અંડર-૧૬થી સિનિયર ખેલાડીઓની મેચ ફી અને અન્ય ભથ્થાંઓ માટે ખર્ચ કરે છે.

આ ઉપરાંત દેશભરમાં અંડર-૧૬, અંડર-૧૯, અંડર-૨૨ અને રણજી ટ્રોફીની લગભગ ૨૦૦૦ મેચના આયોજન પર લગભગ રૂ. ૩૫૦ કરોડનો ખર્ચ કરે છે એટલું જ નહીં, ભૂતપૂર્વ ખેલાડીઓ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટર્સને માસિક પેન્શન મળે છે, જેના પર રૂ. ૨૫ કરોડનો ખર્ચ કરે છે.

You might also like