BCCIએ ICCના ‘મનોહર’ મોડલને નકાર્યુંઃ ઘર્ષણ વધવાનાં એંધાણ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડ અને આઇસીસી વચ્ચે વિવાદ વધવાનાં એંધાણ નજરે પડી રહ્યાં છે. એક તાજા મામલામાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત વહીવટી સમિતી (સીઓએ)એ આઇસીસીને એક પત્ર લખીને તેના પ્રસ્તાવિત નાણાકીય મોડલ અને બંધારણીય સુધારાઓને માનવાનો ઇનકાર કરી દીધો છે. અહેવાલો અનુસાર બીસીસીઆઇએ આઇસીસીને યાદ અપાવતાં કહ્યું કે જો નાણાકીય મોડલ સ્વીકારવા માટે દબાણ કરાશે તો તે એમપીએ (મેમ્બર્સ પાર્ટિસિપેશન એગ્રીમેન્ટ)માં આપવામાં આવેલા અધિકારોનો ઉપયોગ બીસીસીઆઇ કરી શકે છે.

આ મુદ્દો હાલ સુપ્રીમ કોર્ટની યાદીમાં સામેલ છે અને આગામી સોમવારે આ મુદ્દે સુનાવણી થવાની છે. સીઓએને સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ભારતના નાણાકીય અધિકારોનું સંપૂર્ણ રક્ષણ કરશે. જો આઇસીસી એમપીએનું ઉલ્લંઘન કરશે તો બીસીસીઆઇ કોર્ટનો દરવાજો ખટખટાવી શકે છે. એમપીએમાં કહેવામાં આવ્યું છે કે જે દેશ ૨૦૧૫થી ૨૦૨૩ દરમિયાન આઇસીસી ટૂર્નામેન્ટનો હિસ્સો બનશે તેમને કેટલાક ફાયદા મળશે.

આઇસીસીને પાઠવવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ”આઇસીસીનું બંધારણ અને પ્રસ્તાવિત નાણાકીય મોડલને સ્વીકારી લેવાય તો અમે એમપીએ કરાર અંતર્ગત અમારા અધિકારો અને કાયદાકીય જોગવાઈઓનો ઉપયોગ કરીશું. અમને વિશ્વાસ છે કે આઇસીસી નવા બંધારણ અને નાણાકીય મોડલને એમપીએ અંતર્ગત જોશે, જેથી અમારે કાયદાકીય જોગવાઈઓનો ઉપયોગ ના કરવો પડે.”

સૂત્રોના જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિ નક્કી કરી ચૂકી છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડનાં નાણાકીય હિતો સાથે કોઈ પણ સંજોગોમાં સમજૂતી નહીં કરાય. એપ્રિલમાં આઇસીસી સુધારાઓ અંગે ફરી વિચારણા કરશે, પરંતુ બીસીસીઆઇની આ ખુલ્લી ધમકીથી આઇસીસીની યોજના ખટાઈમાં પડી શકે છે. નવા સુધારાઓનો શ્રીલંકા અને બાંગ્લાદેશે પણ વિરોધ કર્યો છે.

આઇસીસીના ભૂતપૂર્વ ચેરમેન શશાંક મનોહરને બીસીસીઆઇના આ બળવાની ખબર હતી તેથી જ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું, કારણ કે જૂના મોડલથી ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયાને પણ ફાયદો થશે. આ સ્થિતિમાં બાંગ્લાદેશ અને શ્રીલંકાના સમર્થનથી ભારતીય ક્રિકેટ બોર્ડ ફરી એક વાર આઇસીસી સામે ક્રિકેટનો બોસ બનતું દેખાઈ રહ્યું છે. ઘણા લોકોનું માનવું છે કે આઇસીસીનો આ પ્રસ્તાવ ભૂતપૂર્વ ચેરમેન શશાંક મનોહરની કોશિશ છે, જેનાથી ભારતીય બોર્ડનો આઇસીસીમાં રહેલો દબદબો ખતમ થઈ શકે તેમ છે.
http://sambhaavnews.com/

You might also like