બીસીસીઆઈમાં સત્તાપરિવર્તન નક્કી કરશે ક્રિકેટનું ભવિષ્ય

સુપ્રીમ કોર્ટે ભારતીય ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા બીસીસીઆઈ(બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા)ના વહીવટ માટે ચાર સભ્યોની સમિતિ જાહેર કરી છે. લોઢા સમિતિની ભલામણોનો અમલ કરવામાં ઠાગાઠૈયા કરતા પૂર્વ બીસીસીઆઈ પ્રમુખ અનુરાગ ઠાકુર સહિતના હોદ્દેદારોની હકાલપટ્ટી કર્યા બાદ સુપ્રીમે ટુ-જી, કોલગેટ, કોમનવેલ્થ સહિતનાં કૌભાંડોેનો પર્દાફાશ કરનાર પૂર્વ કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ(કેગ) વિનોદ રાયના અધ્યક્ષપદે નિયુક્ત કરાયેલી સમિતિમાં ઈતિહાસવિદ્ અને ક્રિકેટ લેખક રામચંદ્ર ગુહા, ભારતીય મહિલા ટીમની પૂર્વ કપ્તાન ડાયના એદલજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન (આઈડીએફસી)ના મેનેજિંગ ડિરેક્ટર વિક્રમ લિમયેની નિમણૂક કરી છે.

અગાઉ સુપ્રીમે આ વહીવટી સમિતિમાં રમત મંત્રાલયના સચિવને શામેલ કરવાની કેન્દ્રની માગ ફગાવી દીધી હતી. આ સાથે જ બેથી ૪ ફેબ્રુઆરી, ૨૦૧૭ દરમિયાન દુબઈમાં યોજાનાર આઈસીસીની બેઠકમાં વિક્રમ લિમયેની સાથે બીસીસીઆઈના સંયુક્ત સચિવ અમિતાભ ચૌધરી હાજરી આપશે તે નક્કી છે. વહીવટદારોની આ સમિતિ આગામી ચાર સપ્તાહમાં ક્રિકેટ સંસ્થાઓમાં બીસીસીઆઈ દ્વારા સૂચિત સુધારાઓના અમલનો રિપોર્ટ અદાલતને સોંપશે. આમ, ઈતિહાસવિદ્, ઓડિટર, બેન્કર અને ક્રિકેટરની આ સમિતિ આગામી વર્ષોમાં ભારતીય ક્રિકેટનું ભાવિ નક્કી કરશે.

સામાન્ય રીતે બીસીસીઆઈમાં દર ત્રણ વર્ષે વિવિધ હોદ્દેદારોની ચૂંટણી યોજાતી હોય છે. ત્યારે સંભવિત આગામી નવેમ્બરમાં યોજાનારી બોર્ડની ચૂંટણી અગાઉ આ વહીવટદારો લોઢા કમિટીની ભલામણોનો બોર્ડ અને રાજ્ય ક્રિકેટ એસોસિયેશનમાં કેટલો અમલ થઈ રહ્યો છે તેના આધારે રિપોર્ટ આપશે. ક્રિકેટ વર્તુળમાં થતી ચર્ચા મુજબ, અત્યાર સુધી જે રીતે વહાલા દવલાંની રીતે બોર્ડ જે તે સ્ટેટ ક્રિકેટ એસો.ને વાર્ષિક મેઈન્ટેનન્સ ફંડ આપતું હતું તેના પર નિયંત્રણ લાવવું, બોર્ડની વેબસાઈટ પર તેનો અહેવાલ મૂકવો, વન સ્ટેટ વન વૉટનું અમલીકરણ, વર્ષોથી દબદબો ભોગવતા સ્ટેટ એસો. પર લગામ કસવી જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપશે.

સ્ટેટ ક્રિકેટ એસોસિયેશનોમાં ગેરકાયદે અપાતાં ટેન્ડરોની કુપ્રથા પર કેટલી લગામ લાગે છે તેના પર પણ નજર રહેશે. હાલ વિશ્વના સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ તરીકે ભારતનો દબદબો છે. આગામી સમયમાં તેમાં ઓટ આવશે કે ભરતી તે પણ આ સમયગાળામાં નક્કી થશે. પારદર્શી વહીવટની લાયમાં ક્યાંક કાચું કપાશે તો આઈસીસીમાં બીસીસીઆઈ હાલ જે દબદબો ભોગવી રહ્યું છે તે ટકી રહેશે કે કેમ તે પણ સવાલ છે. એશિયન દેશોમાં ક્રિકેટની જેટલી કમાણી છે તેટલી અન્ય કોઈ ઉપખંડમાં નથી તે જોતાં રેવન્યૂ ટકાવી રાખવાનું દબાણ પણ રહેશે. ક્રિકેટના વહીવટને આરટીઆઈના દાયરામાં લવાય તેવી પૂરી શક્યતા છે.

સમિતિમાં એકમાત્ર ક્રિકેટર ડાયના એદલજી છે જેઓ ખેલાડીઓનું એસોસિયેશન હોવું જોઈએ તેવો મત ધરાવે છે. હાલ એકમાત્ર કર્ણાટકમાં ખેલાડીઓનું એસોસિયેશન છે બાકીના એક પણ સ્ટેટમાં કોઈ ક્રિકેટર બોર્ડના સભ્ય નથી. આ પરિસ્થિતિ સુધારવા પર તેમનું ફોકસ રહેશે. રામચંદ્ર ગુહાએ છેલ્લા ત્રણ દાયકામાં ભારત ઉપરાંત આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો ઇતિહાસ આલેખ્યો છે. અ કોર્નર ઓફ ફોરેન ફિલ્ડ, ધ સ્ટેટ્સ ઓફ ઈન્ડિયન ક્રિકેટ, વિકેટ્સ ઈન ધ ઈસ્ટ સહિતનાં પુસ્તકો તેમની ક્રિકેટની સમજણને ઉજાગર કરે છે. આ બંને સાથે વહીવટી કામોના અનુભવી વિનોદ રાય અને વિક્રમ લિમયેનું વલણ પણ મહત્ત્વનું રહેશે. ટૂંકમાં, આ ચાર વહીવટદારોની કમિટી ભારતીય ક્રિકેટને કઈ દિશામાં દોરી જાય છે તેના પર ભારતીય ક્રિકેટનું ભવિષ્ય નિર્ભર છે.
http://sambhaavnews.com/

You might also like