ICCએ ભલે નિર્ણય કર્યો, પરંતુ BCCI ચાર દિવસની ટેસ્ટ રમવાના મૂડમાં નથી

નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ ભલે ટ્રાયલ તરીકે ચાર દિવસીય ટેસ્ટ મેચની શરૂઆત કરવાનો નિર્ણય કર્યો હોય, પરંતુ ભારતીય ક્રિકેટ ટીમ હાલ ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટમાં ઓછા દિવસની મેચ રમવાના મૂડમાં નથી. ઓકલેન્ડમાં આઇસીસીની બેઠક દરમિયાન ચાર દિવસીય ટેસ્ટ મેચ શરૂ કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચે ‘બોક્સિંગ ડે’ એટલે કે ૨૬ ડિસેમ્બરથી સૌ પ્રથમ ચાર દિવસીય ટેસ્ટ રમાય તેવી શક્યતા છે. જોકે ભારતીય ક્રિકેટ બોર્ડ પરંપરાગત ફોર્મેટ જ જાળવી રાખવા ઇચ્છે છે.

અનિલ કુંબલેના નેતૃત્વવાળી આઇસીસી ક્રિકેટ સમિતિએ પણ પાંચ દિવસના ટેસ્ટની જ ભલામણ કરી છે. બીસીસીઆઇના એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું, ”ભારત નજીકના ભવિષ્યમાં તો ચાર દિવસીય ટેસ્ટ નહીં જ રમે. ભારત જે પણ ટેસ્ટ રમશે એ પાંચ દિવસની જ હશે. બીસીસીઆઇનું માનવું છે કે અનિલ કુંબલેના નેતૃત્વવાળી ક્રિકેટ સમિતિની ભલામણોમાં ઘણો દમ છે. એ સમિતિએ કહ્યું હતું કે દિવસની સંખ્યા ઓછી કરવી જોઈએ નહીં, પરંતુ ચાર દિવસીય ટેસ્ટ મેચ બે બોર્ડ વચ્ચેની સંમતિ પર નિર્ભર છે અને જો બે દેશને આ અંગે કોઈ વાંધો ના હોય તો તે ચાર દિવસની ટેસ્ટ રમી શકે છે.”

બીસીસીઆઈનું ચાર દિવસીય ટેસ્ટ મેચ નહીં રમવાનું વધુ એક કારણ પ્રસ્તાવિત ટેસ્ટ લીગ માટે આવી મેચોમાંથી કોઈ પોઇન્ટ નહીં મળવાનું પણ છે. આ અધિકારીએ જણાવ્યું, ”ફક્ત પાંચ દિવસીય ટેસ્ટ મેચમાં જ પોઇન્ટ મળવાના છે, જેની ગણના વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે કરાશે. આવી મેચોમાં રમવાનો શો અર્થ છે, જેની કોઈ ગણના જ થવાની ના હોય. જો અમે આયર્લેન્ડ કે અફઘાનિસ્તાન સામે રમીએ તો તે પણ પાંચ દિવસની મેચ હશે.”

You might also like