દર્દીઅો માટેની બેટરી અોપરેટેડ બે કાર બાંકડામાં ફેરવાઈ ગઈ

728_90

અમદાવાદ: અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાખો-કરોડોના ખર્ચે દર્દીઅોની સારવાર અને સુવિધા માટે સાધનો-ઉપકરણો ખરીદવામાં અાવે છે. જોકે થોડા સમય પછી ઘણા ખરાં બિનઉપયોગી બનીને ધૂળ ખાતા થઈ જાય છે. સિવિલ હોસ્પિટલમાં ગંભીર બીમારીથી પીડાતા તેમજ અશક્ત દર્દીઓને એકથી બીજા બિલ્ડિંગમાં લઈ જવા માટે અંદાજે દસ લાખ રૂપિયા કરતાં વધુના ખર્ચે બે બેટરી અોપરેટેડ પોલો કાર ખરીદવામાં આવી હતી, જોકે છેલ્લા ઘણા સમયથી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં બંને કાર શો-પીસની જેમ મૂકી દેવામાં આવી છે. દર્દીઓના ફાયદા માટે વસાવેલી આ કારનો ઉપયોગ લોકો હવે બેસવા માટે કરી રહ્યા છે.

એક તરફ રાજ્ય સરકાર ગુજરાતને ગ્લોબલ મેડિકલ હબ બનાવવાની વાતો કરે છે જ્યારે બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની મુશ્કેલીઓનો કોઈ પાર નથી. સિવિલ કેમ્પસમાં કિડની વિભાગ, કેન્સર વિભાગ, ડેન્ટલ વિભાગ, સ્પાઇન ઈન્સ્ટિટ્યૂટ, ટી.બી.વિભાગ, ટ્રોમા સેન્ટર, હાર્ટ હોસ્પિટલ (યુ.એન.મહેતા) અને આંખની હોસ્પિટલ જેવા વિવિધ મોટા ડિપાર્ટમેન્ટ આવેલા છે ત્યાં દર્દીને ટ્રાન્સફર કરવાની ફરજ પડે ત્યારે દર્દીના સ્વજને જાતે જ દર્દીને સ્ટ્રેચર પર લઈ જવા પડે છે.

આ સમસ્યાનું સમાધાન લાવવા માટે સિવિલ હોસ્પિટલે વર્ષ 2012-13 માં ત્રણ કાર ખરીદી હતી. આ કાર બગડી ગઇ હોવાથી હોસ્પિટલના સત્તાધીશોએ કાર પરત આપીને નવી બે કાર અલગ અલગ સમયે ખરીદી હતી. દર્દીઓને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં સરળતાથી લઇ જઈ શકાય તેમજ એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં લઇ જઇ શકાય તે માટે કાર ખરીદી હતી. શરૂના સમયમાં આ કારનો ઉપયોગ કરવામાં આવતો ત્યારે સિવિલ હોસ્પિટલમાં આવતા લોકો માટે કાર આકર્ષણનું કેન્દ્ર બની હતી. જોકે સમય જતાં બંને કારનો ઉપયોગ બંધ થઇ ગયો છે.

છેલ્લા ઘણા સમયથી કાર ટ્રોમા સેન્ટરમાં માત્ર શો પીસ બનીને રહી ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ કાર ચલાવવા હાલ કોઈ ડ્રાઇવર પણ નથી. દર્દીના સગા કારના ઉપયોગ માટે પૂછે તો ત્યાના કર્મચારીઅો એવો જવાબ અાપે છે કે કાર બંધ છે. કેટલા દર્દીઓને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં ટ્રાન્સફર કર્યા કે પછી એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં ઇમર્જન્સીના સમયે લઇ ગયા તેનો કોઇ રેકોર્ડ પણ સિવિલ હોસ્પિટલ પાસે નથી. રોડ પર ચાલતી મિની કારને સિવિલ હોસ્પિટલના બિલ્ડિંગના સાંકડા રસ્તામાં ચલાવવામાં આવે છે. સિવિલ હોસ્પિટલના તબીબો સૂત્રોના જણાવ્યા અનુસાર કારનો કોઇ ઉપયોગ કરવામાં આવ્યો નથી અને તેનો પુરાવો ટ્રોમા સેન્ટરમાં લગાવેલા સીસીટીવી ફુટેજથી જાણી શકાય. ટ્રોમા સેન્ટરમાં દાખલ થતાં ડાબી સાઇડમાં બે કાર ખડકી દેવામાં આવી છે. આ કારનો ઉપયોગ દર્દીઓ માટે નહીં પરંતુ હોસ્પિટલનો સ્ટાફ તેમજ દર્દીઓના સગાંવહાલાં બેસવા માટે કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે કાર ખરીદવા માટે હોસ્પિટલના સત્તાવાળાઅોઅે શહેરના પાંચ ધારાસભ્ય તેમજ તત્કાલીન મેયરને ગ્રાન્ટ ફાળવવા પત્ર લખ્યો હતો. નરોડાના ધારાસભ્ય નિર્મલા વાધવાણી, અમરાઈવાડીના હસમુખ પટેલ, અસારવાના આર. એમ. પટેલ, ઠક્કરબાપાનગરના વલ્લભ કાકડિયા, દસક્રોઈના બાબુ જમના પટેલ અને તત્કાલીન મેયર મીનાક્ષીબહેન પટેલને ગ્રાન્ટ માટે રજૂઅાત કરાઈ હતી.

સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. એમ. એમ. પ્રભાકરે અા અંગે વધુ વાત કરવાનો ઇન્કાર કરતાં પોલો કાર દર્દીઅો માટે ચાલુ હોવાનો દાવો કર્યો હતો.
http://sambhaavnews.com/

You might also like
728_90