વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર એક વૃદ્ધ એનઆરઆઇની રૂ.૧૮ લાખની માલમત્તા સાથેની બેગની લૂંટ થતા સનસનાટી મચી ગઇ હતી.
આ અંગેની વિગત એવી છે કે, વડોદરા ગોત્રી રોડ પર આવેલ પ્રથમ રેસિડન્સી ખાતે રહેતા રઘુવીરશરણ દોલતરામ અગરવાલ નામના ૭૪ વર્ષીય વૃદ્ધ અને તેમના પત્ની સાંજના સુમારે વડોદરા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નં.૧ અને મુસાફરખાનાનાં ગેટ નં.૩ પાસે વ્હીલચેરમાં ટ્રેનની રાહ જોઇને બેેઠા હતા તે દરમ્યાન જીન્સ પેન્ટ અને ટી-શર્ટ પહેરેલો ગઠિયો આ વૃદ્ધ એનઆરઆઇના હાથમાંથી રૂ.૧૮ લાખની માલમતા ભરેલી બેગની લૂંટ ચલાવી પળવારમાં પલાયન થઇ ગયો હતો.
આ વૃદ્ધ અને તેની પત્નીએ બૂમાબૂમ કરતા લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. જોકે સીસીટીવી કેમેરામાં લૂંટારો રેલવે સ્ટેશનની બહાર નીકળતા જ કેદ થઇ ગયો હોઇ પોલીસે ફુટેજના આધારે સઘન શોધખોળ શરૂ કરી છે. જોકે હજુ સુધી લૂંટારાનો કોઇ પત્તો લાગ્યો નથી. પોલીસે લૂંટનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં થયેલા ચોરી-તફડંચીની ઘટનાના સમાચારઃ
રિક્ષાચાલક-મળતિયાઓએ નજર ચૂકવી મહિલા સહિત બે મુસાફરોને લૂંટી લીધા
રિક્ષાચાલક અને તેના મળતિયાઓએ રિક્ષામાં બેઠેલ મહિલા સહિત બે વ્યક્તિને લૂંટી લેતા દરિયાપુર અને હવેલી પોલીસે ગુના દાખલ કર્યા છે.
આ અંગેની વિગત એવી છે કે રાજકોટના રહીશ સંજયભાઇ મદલાણી રિક્ષામાં બેસી દરિયાપુરમાં ફ્રુટમાર્કેટ તરફ જઇ રહ્યા હતા ત્યારે રિક્ષાચાલક અને તેના મળતિયાએ નજર ચૂકવી રૂ.પ૦ હજારની તફડંચી કરી હતી. જ્યારે ભિલોડાના રહીશ લીનાબહેન બામણીયા ગીતા મંદિર રિક્ષામાં બેસી ખમાસા તરફ આવતા હતા ત્યારે રિક્ષાચાલક અને તેના સાગરિતોએ મહિલાની નજર ચૂકવી તેના પર્સમાંથી રૂ.રપ હજારની રોકડની તફડંચી કરી હતી. પોલીસે રિક્ષાચાલક વિરુદ્ધ ગુના દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
સરખેજ અને રાણીપમાં સોના-ચાંદીનાં ઘરેણાં અને રોકડની ચોરી
સરખેજ અને રાણિપ વિસ્તારમાં તસ્કરોએ એક ઓફિસ અને મકાનને ટાર્ગેટ બનાવી રૂ.બે લાખની મતાની ચોરી કરી હતી. સરખેજમાં આંબલી ગામ ખાતે ભૂદરદાસ હોલ પાસે આવેલ વૃદ્ધાશ્રમની ઓફિસનું તાળું તોડી તસ્કરોએ કબાટમાંથી રૂ.૪પ હજારની રકમની ચોરી કરી હતી. જ્યારે રાણીપમાં સુભાષબ્રિજ પાસે આવેલ વિદ્યાલક્ષ્મી એપાર્ટમેન્ટના એક મકાનના તાળાં તોડી તસ્કરોએ સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી રૂ.૧.૬૦ લાખની મતાની ચોરી કરતા પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો છે.
કારના દરવાજાનો કાચ તોડી મોબાઇલ ફોન અને લેપટોપની તફડંચી
શિવરંજની ચાર રસ્તા પાસે પાર્ક કરેલી એક કારના દરવાજાનો કાચ તોડી ગઠિયાએ મોબાઇલ ફોન અને લેપટોપની તફડંચી કરી હતી. આ અંગેની વિગત એવી છે કે થલતેજના રહીશ સુમિત રોયે તેમની કાર શિવરંજની ચાર રસ્તા પાસે આવેલ શિતલ કોમ્પલેકસની બાજુમાં પાર્ક કરેલી હતી ત્યારે કોઇ ગઠિયાએ કારના દરવાજાનો કાચ તોડી ૩પ હજારનું લેપટોપ અને ૩૦ હજારના મોબાઇલ ફોનની તફડંચી કરતા પોલીસે ગુનો દાખલ કરેલ છે.