ચૂંટણી ટાણે રૂપિયા વડોદરા પોલીસે ૪પ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે ત્યારે બુટલેગરોએ બેફામ બની ‌વિદેશી દારૂની મોટાપાયે હેરાફેરી શરૂ કરી છે. આજે વહેલી સવારે વડોદરાના હરણી વિસ્તારમાં ગોલ્ડન ચોકડી પાસે ઓવરબ્રિજ નજીકથી સ્ટેટ વિજિલન્સ સ્કવોડે વિદેશી દારૂ ભરેલી એક ટ્રક ઝડપી લઇ આશરે રૂ.૬૭ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી બે શખસોની ધરપકડ કરી છે. જ્યારે બે શખસ નાસી છૂટ્યા હતા.

સ્ટેટ વિજિલન્સ સ્કવોડના ઉચ્ચ અધિકારીને એવી બાતમી મળી હતી કે મધ્યપ્રદેશના રતલામ ખાતેથી વિદેશી દારૂનો જથ્થો ભરી એક ટ્રક વડોદરાના હરણી વિસ્તારમાં ગોલ્ડન ચોકડી ઓવરબ્રિજ નજીકથી પસાર થવાની છે.

આ બાતમીના આધારે સ્ટેટ વિજિલન્સ સ્કવોડના અધિકારીઓએ ગઇ રાતથી જ ગોલ્ડન ચોકડી પાસે વોચ ગોઠવી હતી. દરમ્યાનમાં વહેલી સવારે ચાર વાગ્યના સુમારે એક ટ્રક પુરઝડપે પસાર થતાં પોલીસે ટ્રકનો પીછો કરી ઝડપી લઇ ટ્રકની તાડપત્રી ખોલી તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો ભરેલી સંખ્યાબંધ પેટીઓ મળી આવી હતી. પોલીસે રૂ. ૪પ લાખનો વિદેશી દારૂનો જથ્થો, મોબાઇલ ફોન, રોકડ રકમ મળી આશરે રૂ.૬૭ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

વિદેશી દારૂની હેરાફેરી કરનાર રાજસ્થાનના રહીશ લિયાકતઅલી લાલમહંમદ પઠાણ અને અજીમભાઇ સલીમભાઇ પઠાણ નામના બે શખસોની ધરપકડ કરી છે જ્યારે અન્ય એક શખસ સોનુ પઠાણ સહિત બે જણાં પોલીસની થાપ આપી નાસી છૂટ્યા હોવાનું જાણવા મળે છે.

પકડાયેલા ઉપરોક્ત બંને શખસની પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો મધ્યપ્રદેશના રતલામથી ભરવામાં આવ્યો હતો. પરંતુ આ જથ્થો ગુજરાતમાં ક્યાં અને કોને પહોંચાડવાનો હતો તે અંગે હજુ સુધી કોઇ માહિતી પ્રાપ્ત થઇ શકી નથી. પોલીસે કબજે કરેલા મોબાઇલ ફોનની કોલ ડિટેલ્સના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત અંબાજી નજીકથી પોલીસે રાજસ્થાન તરફથી વિદેશી દારૂનો જથ્થો ભરી આવી રહેલી એક ટર્બો ટ્રકને ઝડપી લઇ તેમાંથી રૂપિયા ૧૩ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હોવાનું જાણવા મળે છે. પોલીસે ટ્રક ચાલક રવિ બળવંતસિંહની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like