વડોદરામાં એક રાતમાં લૂંટાયા હતા 6 ATM, ચોરો નીકળ્યા હરિયાણાના..

વડોદરા શહેરમાં એક જ રાતમાં 6 જેટલા ATMમાં ચોરીની ઘટના બની હતી, જેના બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી. હવે પોલીસે આ ચોરીમાં હરિયાણાની મેવાત ગેંગની સંડોવણી હોય તેવી શંકા વ્યક્ત કરી છે. શંકાના આધારે વડોદરા શહેરની ક્રાઈમ બ્રાંચે ભૂંસાવળમાં તપાસ શરૂ કરી દીધી છે.

સેલફોનના ધારકોની હિલચાલના પગલે ક્રાઈમ બ્રાંચ ટીમ હરિયાણા પહોંચી છે. આજે વડોદરામાં શહેર કમિશ્નર બેંકના અધિકારીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં સિક્યોરિટીની વ્યવસ્થા અંગે ગંભીર રીતે ચર્ચા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં એક જ રાતમાં 6 જેટલા ATMમાં ચોરીની ઘટના બની હતી, જેના બાદ પોલીસ ત્વરિતપણે હરકતમાં આવી ગઈ હતી. આ ચોરો 3 અલગ અલગ કાર લઈને આવ્યા હતા અને અલગ અલગ ટીમ બનાવીને ATMના તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

જો કે પોલીસે ચોરોને તો નહીં પણ કારને ઝડપી કાઢી હતી. ચોરોએ એક બોલેરો, ટાટા સુમો અને તૂફાન ગાડી લઈને ચોરી કરી હતી. વડોદરા આરટીઓ પાસેથી એક કાર મળી આવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અને હવે આ ચોરીની તપાસ પોલીસને હરિયાણા સુધી લઈ ગઈ છે.

You might also like