રાજ્યનાં તમામ બાર એસોસિએશનની ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન

સુપ્રીમ કોર્ટે વન બાર વન વોટ માટે આપેલા આદેશ મુજબ આજે ગુજરાતમાં સૌપ્રથમ વખત ગુજરાત હાઇકોર્ટ બાર એસોસિએશન સહિત ૨૫૩ બાર એસોસિયેશનની ચૂંટણી યોજાઇ છે. હાઇકોર્ટ, મેટ્રોપોલિટિન કોર્ટ, સિટી સિવિલ કોર્ટ, ગ્રામ્ય કોર્ટ, ફેમિલી કોર્ટમાં બાર એસોસિયેશનની ચૂંટણીને લઇને વકીલોમાં વહેલી સવારથી ઉત્સાહ મળ્યો હતો. મેટ્રોપોલિટિન કોર્ટમાં અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશન અને ગ્રામ્ય કોર્ટમાં અમદાવાદ ડિસ્ટ્રિકટ બાર એસોસિએશનની ચૂંટણી પર સૌથી વધુ રસાકસી જોવા મળી રહી છે.

આજે સવારે ૧૦ વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. રાજ્ય ભરમાં મતદાર તરીકે ૬૦ હજાર જેટલા વકીલ નોંધાયા છે. આજે વહેલી સવારથી અમદાવાદ સહિતની દરેક જિલ્લા અને તાલુકા કક્ષાએ આવેલી કોર્ટના બાર એસોસિયેશનની ચૂંટણીનું વોટિંગ જોરશોરથી શરૂ થઇ ગયું છે. અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશન, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન, સિટી સિવિલ અને સ્મોલકોઝ બાર એસોસિએશન, ગુજરાત હાઇકોર્ટ એડ્વોકેટ એસોસિએશનમાં ૫૦૦ કરતાં વધુ વકીલોએ ઉમેદવારી કરી હતી. ત્યારે ચૂંટણી દરમિયાન કોઇ માથાકૂટ થાય નહીં તે માટે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો.

સવારે ૧૦ વાગ્યાની તમામ કોર્ટમાં વકીલોએ ઉત્સાહભેર મતદાન શરૂ કરી દીધું હતું ગુજરાતના ૬૦ હજાર વકીલો આજે બાર ઓસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, જોઇન્ટ સેક્રેટરી, અને કારોબારી સભ્ય માટે કોણ રહેશે તે માટે વોટિંગ કર્યું હતું. સાંજે પાંચ વાગ્યા બાદ ચૂંટણી પૂરી થતાં કાઉન્ટિંગ શરૂ કરાશે. કાઉન્ટિંગ પૂરું થયા બાદ તરત રિઝલ્ટ જાહેર કરાશે. મેટ્રોપોલિટિન કોર્ટમાં વર્ષ ૨૦૧૫માં ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશનની ચૂંટણી થઇ હતી. ત્યારે ગ્રામ્ય કોર્ટમાં છ વર્ષ બાદ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઇ છે.

હાઇકોર્ટમાં થયેલી પિટિશનના કારણે વડોદરામાં મતગણતરી નહીં થાય. એડ્વોકેટ હિતેશ ગુપ્તાની પિટિશનમાં જણાવાયું છે કે જે મતદારોએ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ પાસ નથી કરી તેમને મતદારયાદીમાં સામેલ કરવા નહીં. હાઇકોર્ટે આ બાબતે વચગાળાનો હુકમ કરીને આવા મતદારોને પ્રોવિઝનલ ગણીને તેમના મત અલગ પેટીમાં રાખવાનું જણાવ્યું છે.

આવા ૧૭થી વધુ ઉમેદવારો છે કે જેમણે હાઇકોર્ટમાં પરીક્ષા અંગેની બાંયધરી કે પુરાવા રજૂ કરવા પડશે. આજે તમામ મતપેટીઓ સીલ કરી દેવામાં આવશે. હાઇકોર્ટના આદેશ બાદ જ મતગણતરી અને પરિણામ જાહેર થશે.

You might also like