બાપુનગરમાં દુકાનનું શટર તોડી રૂ. સાત લાખની ચોરી

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરીએ માઝા મૂકી હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે ચોરી, લૂંટ, હત્યાના બનાવો છાશવારે ને છાશવારે બની રહ્યા છે જ્યારે ગુનાખોરી અટકાવવા માટે પોલીસ પાસે કોઇ એક્શન પ્લાન નથી તેવામાં મોડી રાતે બાપુનગર વિસ્તારમાં આવેલ છેલ્લા બસસ્ટેન્ડ પાસે મોબાઇલ ટે‌િલકોમ નામની દુકાનમાંથી તસ્કરો તરખાટ મચાવીને સાત લાખ રૂપિયાની રોકડની ચોરી કરીને ફરાર થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. શાહીબાગ િવસ્તારમાં આવેલી જુની એટીએસ ઓફિસ પાસે પણ તસ્કરોએ ત્રણ દુકાનના તાળાં તોડ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તસ્કરો વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

નિકોલ વિસ્તારમાં આવેલ પુષ્કર બંગલોઝમાં રહેતા અને બાપુનગરના છેલ્લા બસસ્ટેન્ડ પાસે કુળદેવી ટે‌િલકોમ નામની દુકાન દ્વારા મોબાઇલ રિચાર્જની કૂપનનો હોલસેલ ધંધો કરતા ગોરધનભાઇ નરસિંહભાઇ પટેલે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ગોરધનભાઇએ જણાવ્યા અનુસાર ગઇ કાલે મોડી રાતે દુકાનનું શટર બંધ કરીને તેઓ ઘરે ગયા હતા ત્યારે રા‌િત્ર દરમિયાન તસ્કરોએ તેમની દુકાનનું શટર તોડીને ચોરી કરી હતી. તસ્કરોએ દુકાનનું શટર તોડીને કાચનો દરવાજો તોડ્યો હતો. ત્યારબાદ ટેબલનાં તમામ લોકર તોડી નાખ્યાં હતાં, જોકે લોકરમાંથી કશું જ નહીં મળતાં તસ્કરો ‌િતજોરીનું લોક તોડી તેમાં રહેલા સાત લાખ રૂપિયાની રોક્ડ લઇ ફરાર થઇ ગયા હતા.

સવારે ગોરધનભાઇ તેમની દુકાને આવ્યા ત્યારે તેમણે દુકાનનું શટર તૂટેલું જોયું હતું. તાત્કા‌િલક તેમણે દુકાનમાં જઇ તપાસ કરતાં તિજોરીમાં પડેલા સાત લાખ રૂપિયા ગાયબ હતા. દુકાનમાં ચોરી થતાં ગોરધનભાઇએ પોલીસને જાણ કરી હતી. પોલીસે આ મામલે અજાણ્યા શખ્સો વિરુદ્ધમાં ચોરીની ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

You might also like