બાપુનગર પોલીસ લાઈનમાંથી હેડ કોન્સ્ટેબલના નવા બાઈકની ચોરી!

અમદાવાદઃ સામાન્ય રીતે કોઈ ચોર પોલીસકર્મીના ઘરમાં કે તેની ચીજ્વસ્તુની ચોરી કરતાં એક હજાર વાર વિચાર કરે, પરંતુ એક ચોર પોલીસ લાઇનમાંથી જ એક પોલીસકર્મીએ અઠવા‌િડયા અગાઉ જ લીધેલા બાઈકની ચોરી કરી ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીના નવા બજાજ પલ્સર બાઈકની ચોરી થઈ છે. બાપુનગર પોલીસે હાલ બાઈક ચોરીનો ગુનો નોંધી બાઈક ચોરની શોધખોળ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે વસ્ત્રાલના દેવનંદન ફ્લેટ ખાતે કૃષ્ણકુમારસિંહ ક્ષત્રિય પોતાના પરિવાર સાથે રહે છે. કૃષ્ણકુમારસિંહ બાપુનગર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ગત ૧૭ જાન્યુઆરીના રોજ તેઓએ નવું બજાજ પલ્સર ૧૫૦ સીસીનું બાઈક ખરીદ્યું હતું. ૨૪ જાન્યુઆરીના રોજ નાઈટ ડ્યૂટીની તેઓની નોકરી હોઈ સાંજે બાઇક લઈ નોકરી ગયા હતા અને તેઓનું બાઈક બાપુનગર પોલીસ લાઈનમાં પાર્ક કર્યું હતું.

બીજા દિવસે સવારે નોકરી પૂરી થતાં તેઓ પોલીસ લાઈનમાં બાઈક લેવા ગયા હતા ત્યારે બાઈક જોવા મળ્યું ન હતું. આસપાસમાં તેઓએ બાઈકની શોધખોળ કરી હતી, પરંતુ બાઈક મળી આવ્યું ન હતું. બે દિવસ સુધી બાઈકની શોધખોળ કર્યા બાદ પણ બાઈક ન મળતાં તેઓએ આ અંગે બાપુનગર પોલીસ સ્ટેશનમાં બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી હતી. બાપુનગર પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી ખુમાનસિંહે જણાવ્યું હતું કે પોલીસ લાઇનમાંથી બાઈક ચોરી થઈ છે, હજુ સુધી બાઈક મળી આવ્યું નથી.

ઉલ્લેખનીય છે કે ચોર સામાન્ય રીતે પોલીસ લાઈનમાં ચોરી કરતાં એક હજાર વાર વિચારતો હોય છે, પરંતુ કોઈ હિંમતવાન ચોરે પોલીસ લાઇનમાંથી જ ચોરી કરવાની હિંમત બતાવી પોલીસને પડકાર ફેંક્યો છે. જોવાનું છે કે બાપુનગર પોલીસ પોતાના જ વિસ્તારમાં પોતાના જ પોલીસકર્મીનું બાઈક શોધી શકે છે કે પછી અન્ય લોકોની જેમ પોલીસકર્મીએ નસીબ પર આધાર રાખવો પડશે કે કોઈ વાહન ચોર પકડાય અને તેની કબૂલાતમાં તેની બાઈક ચોરી બહાર આવે.

http://sambhaavnews.com/

You might also like