બાપુનગરના બુદ્ધવિહારની આસપાસ ઇંડાં-મટનની લારીઓથી લોકોમાં રોષ

અમદાવાદ: બાપુનગરમાં આવેલા આશરે ૪૦ વર્ષ જૂના બૌદ્ધ ધર્મની આસ્થા સાથે સંકળાયેલા પંચશીલ બુદ્ધ વિહારની આસપાસ છેલ્લા દોઢ વર્ષથી ગેરકાયદે રીતે મટન અને ઇંડાંની લારીઓનો ધમધમાટ થતાં શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઇ રહી છે. કેટલાંક તત્ત્વો આ પ્રકારનાં દબાણ કરીને સમગ્ર પરિસર પર ભવિષ્યમાં કબજો જમાવવાનો મલિન ઇરાદો ધરાવતાં હોવાના પણ ગંભીર આક્ષેપ ઉઠ્યા છે.

પંચશીલ બુદ્ધ વિહારના એક અગ્રણી રમેશ મનવર કહે છે, ‘અમદાવાદ કે ગુજરાતના અન્ય કોઇ પણ ધર્મનાં દેવસ્થાનોના મુખ્ય દરવાજાની બાજુમાં મટન-ઇંડાં કાઉન્ટર, લારીઓ કે અન્ય દબાણ જોવા મળતાં નથી. કમનસીબે પંચશીલ બુદ્ધ વિહારના મુખ્ય દરવાજાની બહાર જ આવી અનિચ્છનીય પ્રવૃત્તિઓ ફૂલી-ફાલી છે. કોર્પોરેશનના સત્તાવાળાઓ સમક્ષ પણ લારીઓ હટાવવાની ઉગ્ર રજુઆત કરી ચુક્યા છે પરંતુ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.

ભવિષ્યમાં આ જગ્યાનો ગેરકાયદે નાણાં લેવાના આશયથી કેટલાક લોકોએ આ બજાર ચાલુ કરાવ્યું હોય તેમ લાગે છે.’ આ અંગે ગઇ કાલે ગાંધીનગર રૂબરૂ જઇને મુખ્યપ્રધાન વિજય રૂપાણીના કાર્યાલયમાં આવેદનપત્ર પણ સુપરત કરાયું છે. સ્થાનિક ધારાસભ્ય જગરૂપસિંહ રાજપૂતને પણ ઉગ્ર રજૂઆત કરાઇ હોવાનું ભારતીય બૌદ્ધ સંઘ સાથે સંકળાયેલા અગ્રણીઓ કહે છે. દરમ્યાન આ અંગે ઉત્તર ઝોનના એસ્ટેટ ઓફિસર રમેશ દેસાઇને પૂછતાં તેઓ કહે છે, ‘તંત્ર સમક્ષ લારીઓના દબાણ અંગે હજુ સુધી કોઇ રજૂઆત આવી નથી. તેમ છતાં તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરાશે.’
http://sambhaavnews.com/

You might also like