બાપુનગરમાં મધરાત્રે લકઝરી બસમાં અાગ લાગતાં ભયનો માહોલ

અમદાવાદ: બાપુનગર વિસ્તારમાં ગઈ મધરાત્રે પાર્ક કરેલી એક લકઝરી બસમાં અચાનક અાગ લાગતાં ભારે દોડધામ મચી જતાં ભયનો માહોલ સર્જાયો હતો.  ફાયરબ્રિગેડનાં સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે બાપુનગર વિસ્તારમાં ટોપી મિલ ચાર રસ્તા પાસેના એક કમ્પાઉન્ડમાં સોનલ ટ્રાવેલ્સની એક લકઝરી બસ પાર્ક કરવામાં અાવી હતી. ગઈ રાતે સવા બે વાગ્યાના સુમારે અા લકઝરી બસમાં અચાનક જ અાગ લાગતાં જોત જોતાંમાં જ બસ અાગમાં લપેટાઈ ગઈ હતી. અાગનાં વિકરાળ સ્વરૂપને કારણે અાજુબાજુમાં રહેતા લોકોએ નિંદરમાંથી બેબાકળા જાગી જઈ ભયના કારણે દોડધામ કરી મૂકી હતી.

બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડના જવાનોએ ફાયર ફાઈટરો અને વોટર ટેન્કર સાથે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી જઈ પાણીનો મારો ચલાવી અાગને કાબૂમાં લીધી. જો કે અાગમાં બસ સંપૂર્ણપણે બળીને ખાક થઈ જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અને અાગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળે છે.

You might also like