બાપુનગરમાં મિની મથુરાકાંડ થતાં રહી ગયોઃ ૧૦ની ધરપકડ

અમદાવાદ: શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા મોરારજીચોકમાં ગત રાત્રે મિની મથુરાકાંડ થતાં રહી ગયો હતો. મોરારજીચોક નજીક બનતા મુખ્યમંત્રી આવાસ યોજનાનાં મકાનો બાબતે સ્થાનિકો દ્વારા વિરોધ થઇ રહ્યો છે, જેના પગલે ગત રાત્રે રપ૦૦ થી ૩૦૦૦ લોકોના ટોળાએ ઘાતકી હથિયારોથી એસઆરપી જવાનો પર હુમલો કર્યો હતો. હજારોના ટોળાના હુમલાથી બચવા એસઆરપી જવાનોને પણ જીવ બચાવવા ભાગવું પડ્યું હતું.

ઘટનાની જાણ પોલીસને થતાં રખિયાલ, બાપુનગર, ગોમતીપુર પોલીસનો કાફલો તાત્કા‌િલક ઘટનાસ્થળે દોડી ગયાે હતાે. ઘટનાની ગંભીરતાને લઇ પોલીસ કમિશનર શિવાનંદ ઝા, ક્રાઇમ બ્રાંચ જેસીપી જે.કે. ભટ્ટ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

હાલમાં પોલીસે રપ૦૦ના ટોળા સામે હત્યાનો પ્રયાસ, પોલીસ પર હુમલો, રાયોટિંગ વગેરેની ફરિયાદ નોંધી ૧૦થી વધુની ધરપકડ કરી છે. પોલીસ કમિશનરે ઘટનાની ગંભીરતા જોઇ તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપી છે. પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બાપુનગરના મોરારજીચોક નજીક એક મેદાન આવેલ છે. મુખ્યમંત્રી ગરીબ આવાસ યોજના અંતર્ગત થોડા દિવસ અગાઉ ત્યાં ખાતમુહૂર્ત કરાયું હતું. આ અંગે સ્થાનિક રહીશોએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને કોર્ટે આ બાબતે સ્ટે પણ આપ્યો હતો. સ્થાનિકોના આ વિરોધને લઇને એક એસઆરપીનો પોઇન્ટ ગોઠવી દેવાયો હતો અને કોન્ટ્રાકટરે પોતાનો માલસામાન મૂકી પતરાં ગોઠવી દીધાં હતાં.

ગઇ કાલે આ મેદાનમાં વાહનો પાર્ક કરવા મુદ્દે સ્થાનિકોએ એસઆરપી જવાનો સાથે ઉગ્ર બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને બાદમાં અચાનક જ રપ૦૦ લોકોનું ટોળું ધસી આવ્યું હતું. રપ૦૦ લોકોના ટોળાએ ઘાતક હથિયારો સાથે ધસી આવી એસઆરપીના પોઇન્ટને તોડી નાખ્યો હતો. પોલીસના ચારથી પાંચ વાહનોને આગ ચાંપી દીધી હતી કોન્ટ્રાક્ટરે મૂકેલા માલસામાનમાં પણ તોડફોડ મચાવી હતી. પોતાનો જીવ બચાવવા એસઆરપીના જવાનોએ રીતસર ભાગવું પડ્યું હતું.
ઘટનાની જાણ પોલીસને કરાતાં રખિયાલ, બાપુનગર, ગોમતીપુર ક્રાઇમ બ્રાંચ સહિતનો પોલીસનો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો. ઘટનાની ગંભીરતાને લઇ મોડી રાત્રે પોલીસ કમિશનર શિવાનંદ ઝા અને જેસીપી ક્રાઇમ જે.કે. ભટ્ટ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

ર‌િખયાલ પોલીસે હાલમાં હેડ કોન્સ્ટેબલ અનિલભાઇ સોમચંદની ફરિયાદના આધારે રપ૦૦ લોકોના ટોળા સામે હત્યાનો પ્રયાસ, પોલીસ પર હુમલો, પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ, જીપી એક્ટ કલમ મુજબ ગુનો નોંધ્યો છે. ઘટનાની ગંભીરતાને લઇને ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપાઇ છે. ક્રાઇમ બ્રાંચે ૧૦થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે ર૦ લોકોની અટકાયત કરી છે.

ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયા અગાઉ વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલ સંવેદનશીલ વિસ્તાર સુલેમાન ચાલીમાં પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે સ્થાનિક લોકોએ પથ્થરમારો કરી આગ ચંપી કરી હતી. જેમાં બે પોલીસ જવાનો ઘાયલ થયા હતા. ઉપરાંત મથુરામાં પણ જવાહરબાગમાં દબાણ હટાવવા ગયેલી પોલીસ પર દબાણ કરનાર લોકોએ હુમલો કર્યો હતો અને ત્યાર બાદ થયેલા તોફાનોમાં ઘાયલ થયેલા એસપી મુકુલ ત્રિવેદી, એસઓ સંતોષ યાદવનાં સારવાર દરમિયાન મોત નીપજ્યાં હતાં. પોલીસ પર થઇ રહેલ હુમલાઓની ઘટનાને જોતાં પોલીસ હવે પાંગળી બની રહી હોય તેમ લાગી રહ્યું છે. લોકોમાં પોલીસ અને કાયદાનો કોઇ ડર રહ્યો નથી.

પૂર્વ આયોજિત હુમલો હોવાની પોલીસને શંકા
રખિયાલનાં મોરારજી ચોક નજીક નવા બનતા મુખ્ય મંત્રી ગરીબ આવાસ યોજનાનાં મકાનો સામે સ્થાનિક લોકોનો વિરોધ થઇ રહ્યો છે. થોડા દિવસ અગાઉ આ યોજનાનું બાંધકામ ખાત મુહૂર્ત થયું હતું અને ત્યાં એસઆરપી જવાનોનો પોઇન્ટ ગોઠવાયો હતો જેથી કોઇ અનિચ્છનિય બનાવ ન બને. પોલીસનો પોઇન્ટ દૂર કરવા અને મકાનો બનાવવા માટેનો વિરોધ કરવા સ્થાનિકોએ પૂર્વ આયોજિત કાવતરું રચી અને હુમલો કરી તોડફોડ મચાવી હોવાની પોલીસને આશંકા વ્યક્ત કરી રહી છે.

આરોપીઅોનાં નામ
મહમંદ આમિર
મહમંદ જુનૈદ મહમંદ મુસ્તાક
અહેમદશાહ કફીર
ઇમરાન જહૂર
નાસિરખાન પઠાણ
મહમંદ જુનૈદ
મહમંદ કાનિફ અંસારી
અબ્દુલ રઝાક
સોએબ અહેમદ
રપ૦૦ લોકોનું ટોળું

કઈ કઈ કલમો હેઠળ ફરિયાદ
કલમ ૧૪ર, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૮૬, ૪ર૭, ૩૯પ, ૩૦૭, ૧૦રબી, ૪૩૬, જીપી એક્ટ ૧૩પ (૧)  મુજબ જાહેર સંપત્તિને નુકસાન

You might also like