બાપુનગરમાં સામાન્ય બાબતે એક યુવક પર ઘાતક હુમલો

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: શહેરના બાપુનગર વિસ્તારમાં ગઇ કાલે વહેલી સવારે એક યુવકના માથા પર એક શખ્સે લાકડાના ડંડા વડે હુમલો કરીને તેને લોહીલુહાણ કરી દેતાં મામલો બીચક્યો છે. સામાન્ય બાબતે શખ્સે યુવક પર અચાનક હુમલો કરી દીધો હતો.

શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલ ગંગાનગરની ચાલીમાં રહેતા ૨૫ વર્ષના સુનીલ રાવતે બાપુનગર પોલીસ સ્ટેશનમાં શિવા ભૈયાજી વિરુદ્ધમાં હત્યાની કોશિશની ફરિયાદ કરી છે. ગઇ કાલે સવારે સાત વાગ્યાની આસપાસ સુનીલ મોહનલાલની ચાલી પાસે પેશાબ કરવા માટે ઊભો હતો દરમિયાનમાં શિવા ભૈયાજી નામનો યુવક ત્યાં આવ્યો હતો અને અહીં પેશાબ કેમ કરે છે તેમ કહીને ગંદી ગાળો બોલવા લાગ્યો હતો. સુનીલે ગાળો બોલવાની ના પાડતાં શિવા વધુ ઉશ્કેરાયો હતો અને લાકડાનો ડંડો લાવીને તેના પર હુમલો કરી દીધો હતો.

શિવાએ સુનીલના માથા પર લાકડાનો ડંડો મારતાં તે લોહીથી લથપથ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. સુનીલને લોહી નીકળતું હોવા છતાંય શિવાએ તેને લાકડાના ડંડા માર્યા હતા. સ્થાનિકો દોડી આવતાં શિવો ત્યાંથી નાસી ગયો હતો જ્યારે ઇજાગ્રસ્ત સુનીલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

બાપુનગર પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતાં તે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બાપુનગર પોલીસે આ મામલે શિવા વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

You might also like