બાપુનગરમાં ડાયરામાં હંગામો મચાવતા ‘પાસ’ના કાર્યકરોની અટકાયત

અમદાવાદ: શહેરના બાપુનગર વિસ્તારમાં ગઇકાલે મોડી રાતે ચાલતા ડાયરામાં ભંગ પડાવવા માટે આવેલા પાસના છ કાર્યકરોની પોલીસ અટકાયત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. નર્મદા મહોત્સવને લઇને બાપુનગર વિસ્તારમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય સરકારના વાહન વ્યવહાર પ્રધાન વલ્લભ કાકડિયા. બાપુનગરના કોર્પોરેટર અને ૩૫૦૦ કરતાં વધુ સ્થાનિકો ડાયરાની મજા માણી રહ્યા હતા ત્યારે પાસના કર્યકરોએ પોતાનો વિરોધ વ્યકત કરીને ડાયરામાં ભંગ પાડવાની કોશિશ કરી હતી. જેમાં પોલીસે તેમની અટકાયત કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સુરતમાં ગઇ કાલે મોડી સાંજે પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારમાં યુવા ભાજપના સંમેલનને પગલે આગચંપીનો બનાવ બન્યો હતો. વરાછામાં હીરાબાગ વિસ્તારમાં પાસના કાર્યકરો અને આગેવાનોએ સંમેલન અટકાવવા તોફાન મચાવ્યું હતું આ ઘટનાના પડધા અમદાવાદ સુધી પડ્યા હતા. નર્મદા મહોત્સવને લઇને ગઇ કાલે બાપુનગર વિસ્તારમાં આવેલ ઇન્ડિયા કોલોની પાસે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં રાજ્ય સરકારના મંત્રી વલ્લભ કાકડિયા, કોર્પોરેટર, ભાજપના કાર્યકરો સહિત ૩૫૦૦ કરતાં વધુ લોકો હાજર હતા.

ડાયરો ચાલતો હતો તે સમયે પાસના કાર્યકર રાહુલ ધીરુભાઇ દેસાઇ (રહે બાપુનગર), જયેશ બટુકભાઇ પટેલ (રહે ઠક્કરબાપાનગર), જયેશ ભરતભાઇ દેસાઇ (રહે બાપુનગર), મયૂર મનસુખભાઇ સેવલિયા (રહે નિકોલ), નિકુલ અશ્વિનભાઇ બાબરિયા (રહે બાપુનગર) અને સાહિલ જિજ્ઞેશભાઇ પટેલ(રહે બાપુનગર) સહિતના કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે ડાયરામાં પહોંચી ગયા હતા અને ભારે વિરોધ સાથે ડાયરામાં ભંગ પડાવવાની કોશિશ કરી હતી. ડાયરામાં બંદોબસ્ત માટે ઊભેલી બાપુનગર પોલીસે પાસના છ કાર્યકરોની અટકાયત કરી હતી. રાતે ૧૧ વાગ્યા બાદ ડાયરો પૂરો થતાં પોલીસ તમામ કાર્યકરોને છોડી મુક્યા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઇન્ડો-જાપાન બિઝનેસ સમિટ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ખાતમુહૂર્ત માટે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડા પ્રધાન શિંજો આબે બે દિવસ માટે શહેરના મહેમાન બન્યા છે ત્યારે પાસના કાર્યકરો કે પછી અન્ય કોઇ સંગઠનો દ્વારા કોઇ વિરોધ પ્રદર્શન કરવામાં આવે નહીં તે માટે પોલીસે તમામ તોફાની તત્ત્વો પર ચાંપતી નજર રાખી છે.

You might also like