કોંગ્રેસની બાપુ ત્રિપુટી જોરમાં ચાલે છે!

કોંગ્રેસમાં સામાન્ય રીતે જેટલા નેતા છે તેટલાં જૂથ હોવાની ચર્ચા આજકાલ જોરમાં ચાલી રહી છે. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિરોધપક્ષના નેતા શંકરસિહ વાઘેલા અને રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ હાલ કોંગ્રેસમાં જોરશોરથી ચાલી રહ્યા છે. તે લોકદરબારની વાત હોય કે ભાજપનો વિરોધ કરવાની વાત હોય ત્રણેય બાપુઓ એક સાથે મેદાનમાં ઊતર્યા છે.કોંગ્રેસના કાર્યકરો પણ આ ત્રણેય બાપુઓ એક સાથે એક જૂથ રહે તેવું જ ઇચ્છી રહ્યા છે. જોકે થોડા સમય માટે એક થયા બાદ ફરી ત્રણેય બાપુઓ તલવાર ખેંચી લેતા હોય છે. આથી કોંગ્રેસના કાર્યકરોમાં પણ ૨૦૧૭ સુધી ત્રણેય બાપુઓ માત્ર ભાજપ સામે જ તલવાર ખેંચે તેવું ઇચ્છી રહ્યા છે.

કોંગ્રેસને ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપ સામે સીધી લડાઇ લડવી હોય તો આ ત્રણેય બાપુ એક થાય તો ચોક્કસ પરિણામલક્ષી લડાઇ લડી શકાય તેમ છે. સચિવાલયમાં ચાલતી ચર્ચા મુજબ કોંગ્રેસની કેન્દ્રીય નેતાગીરીએ પણ ત્રણેય બાપુઓને એક જૂથમાં ભાજપ સામે લડવા મજબૂર કર્યા છે. તેના કારણે તેઓ અત્યારે એક સાથે હોવાનો દેખાવ કરી રહ્યા છે. જોકે અંદરખાને ત્રણેય બાપુઓ એકબીજાની પાંખો કાપવાની એકેય તક જતી કરવા તૈયાર નથી.

શિક્ષણપ્રધાનની પનોતી બેઠી
સામાન્ય રીતે કહેવાય છે કે લોખંડના પાયે શનિની પનોતી ચાલતી હોય ત્યારે માણસ ચારેય બાજુથી ઘેરાઇ જાય છે. અત્યારે રાજ્ય પ્રધાનમંડળમાંથી શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની સ્થિતિ પણ કંઇક આવી જ છે. છેલ્લા કેટલાક સમયથી એક પછી એક વિવાદો ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને ઘેરી રહ્યા છે. પહેલાં નેટની પરીક્ષાના વિવાદમાં તેમની પર માછલાં ધોવામાં આવ્યાં હતાં. ત્યારબાદ બોર્ડની પરીક્ષાનાં પરિણામોના છબરડાએ તેમનો પીછો કર્યો હતો અને છેલ્લે હવે તલાટી કૌભાંડમાં કલ્યાણસિંહ ચંપાવત દ્વારા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સામે ગંભીર પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા છે. જોકે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ બદનક્ષીનો કેસ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ભૂપેન્દ્રસિંહ ફરતે આક્ષેપો અને વિવાદો રાજકીય માહોલ ગરમ કરી રહ્યા છે.

સામાન્ય રીતે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સૌમ્ય પ્રકૃતિની છાપ ધરાવે છે. રાજકીય રીતે તેમનું કદ પણ ભાજપમાં ખાસ્સું છે.એટલે જ એક સમયે પ્રદેશ પ્રમુખ તરીકે વિજય રૂપાણી પહેલાં તેમના નામની ચર્ચા થઇ હતી. જોકે ત્યાંથી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સાથે અનેક વિવાદો પણ શરૂ થયા.સચિવાલયમાં ચાલતી ચર્ચા મુજબ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પ્રદેશ ભાજપના ટોચના નેતાઓમાંના એક છે. આથી રાજકીય રીતે તેમનો હિસાબ પૂરો કરવા કાવાદાવા થઇ રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

તલાટી કૌભાંડમાં કલ્યાણસિંહ ચંપાવત દ્વારા જે રીતે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સામે આક્ષેપ કરવામાં આવ્યા તે સૌથી આશ્ચર્યમાં મૂકે તેવા છે, કારણ કે તલાટીની ભરતીપ્રક્રિયા સમયે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પાસે મહેસૂલ ખાતું પણ ન હતું કે પરીક્ષા સાથે સીધી રીતે કોઇ જવાબદારી પણ ન હતી. છતાં ભૂપેન્દ્રસિંહના નામનો બી કરવાથી વિદ્યાર્થીને પાસ કરવાની સાંકેતિક ભાષા તપાસ માગી લે તેવી છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના જ કાર્યાલયમાં ચાલતી ચર્ચા મુજબ બાપુનું નામ ૨૦૧૭માં સી.એમ. તરીકે આવતું હોવાથી તેઓની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટેની જ આ રાજકીય ચાલ હોવાની ચર્ચા છે.

‘પાસ’માં પણ ખૂબ દુરિયાં. નાનુની પાટીદાર અનામત પર મોટી છલાંગ
પાટીદાર અનામત આંદોલન ચલાવી રહેલા ‘પાસ’માં ભાજપ મોટી તિરાડ પડાવવામાં સફળ થઇ હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે ‘પાસ’ના જ કન્વીનરો હવે એકબીજા સામે આક્ષેપો પ્રતિઆક્ષેપો કરતાં નજરે પડે છે.’પાસ’ની કોર ટીમના સભ્ય કેતન પટેલ દ્વારા અન્ય સભ્ય દિનેશ બાંભણિયા પર ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે. જ્યારે દિનેશ બાંભણિયાએ પણ વળતો ઘા કરીને કેતન પટેલ ભાજપના ઇશારે કામ કરી રહ્યાનો ખુલ્લો આક્ષેપ પણ કર્યો છે. આથી એટલું ચોક્કસ કહી શકાય કે રાજ્ય સરકારે એસપીજીને પોતાની સાથે જોડીને હવે ‘પાસ’માં દુરિયાં વધારવાની કામગીરી શરૂ કરી છે.

રાજ્ય સરકારના જ પ્રધાન નાનુ વાનાણીએ પાટીદારો પર એક પુસ્તક લખ્યું છે. જેમાં હાર્દિક પટેલ સહિત પાટીદાર આંદોલન ચલાવી રહેલા પાટીદારોના હિતમાં આંદોલન નહીં ચલાવી રહ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

હજુ આ પુસ્તક પ્રકાશિત થયું નથી પણ તે પહેલાં વિવાદોમાં ચોક્કસ આવી ગયું છે. નાનુ વાનાણી પોતે પાટીદાર આગેવાન છે. ઓછંુ ભણેલા હોવા છતાં ગણેલા વધુ હોવાને કહેવાઈ રહ્યું છે. આથી જ પાટીદાર અનામત આંદોલનના સમયે જ પાટીદાર પર પુસ્તક લખવાની કોઠાસૂઝ કાબિલેતારીફ હોવાનું ચોક્કસ કહી શકાય. પણ આ પુસ્તક નાનુભાઇ વાનાણીની રાજકીય કારકિર્દીને પણ અસર કરી શકે તેવી સ્થિતિનું નિર્માણ કરી શકે છે.

You might also like