બહુ જોરથી ફરકતી ધજા બહુ જલદી ફાટે છે

સત્તા મનુષ્યને મદહોશ બનાવી દે છે. તેના મગજમાં રાઇનો પહાડ રચાઇ જાય છે. તે પોતાની જાતને જગતની સર્વશ્રેષ્ઠ વ્યક્તિ માનવા લાગે છે. તેને મન તેના જેવો મહાન બીજો કોઇ નથી. આવા મનુષ્ય એ નથી જાણતા કે બહુ જોરથી ફરકતી ધજા બહુ જલદી ફાટે છે.
જે મનુષ્ય જ્ઞાની હોય, જે મનુષ્ય ધનવાન હોય, જે સ્ત્રી કે પુરુષ ખૂબ રૂપાળાં હોય તેમને તેમનાં જ્ઞાન, ધન કે રૂપનું અભિમાન ચડે છે. પરિણામે તેમના મગજમાં જેતે વસ્તુનો ઘમંડ છવાવા લાગે છે. પરિણામે તેઓ આકાશમાં ઊડવા લાગે છે, પરંતુ તે નથી જાણતાં કે બહુ જોરથી ફરકતી ધજા બહુ જલદી ફાટે છે.
હવે મંદિર એટલે પ્રભુનું ધામ. મંદિરનો ઘુમ્મટ હોય છે. ઘુમ્મટ ઉપર શિખર હોય છે. શિખર ઉપર એક સ્તંભ હોય છે. સ્તંભની ટોચ ઉપર હોય છે ધજા. આ ધજા પોતાનાં ભાગ્ય ઉપર મુસ્તાક હોય છે, કારણ કે તે ખૂબ નાજુક હોવા છતાં શ્રેષ્ઠ સ્થાનના સર્વોચ્ચ સ્થળે ગોઠવાય છે.પરિણામે સહેજ પવન આવતાં જ ગર્વથી લહેરાય છે. જો ઝપાટાબંધ પવન આવે અથવા વાવાઝોડું આવે તો તે નાજુક ધજા પવનનો સંગ પ્રાપ્ત થતાં જ અથવા જેટલા જોરથી પવનદેવ પ્રગટ થયા હોય તેટલા જ જોરથી તે ફરકે છે. જ્યારે ધજા બહુ ફરકવા લાગે છે તેથી તેને ઘસારો પણ બહુ ઝડપથી લાગે છે પરિણામે બહુ ફરકતી આ ધજા બહુ ઝડપથી ફાટે છે.
લંકાધિપતિ રાવણે દશ હજાર વર્ષ તપ કર્યું. પરિણામે તેના ઉપર બ્રહ્મદેવ પ્રસન્ન થયા. રાવણને કહ્યું કે, ‘હે લંકાપતિ, માગ માગ, માગે તે આપું.’
જવાબમાં રાવણે અમરત્વ માગ્યું. બ્રહ્મદેવે તથાસ્તુ કહેતાં તે અમર થઇ ગયો. અમર થવાથી તથા તેનામાં રહેલાં અપ્રતીમ બળને કારણે તે દુર્જેય તથા દુર્ઘર્ષ બન્યો. પરિણામે હજારો વર્ષ લંકા ઉપર જુલમથી, દમનથી રાજ કર્યું. સીતાજીનું અપહરણ કર્યું. તેની બુદ્ધિ ભ્રષ્ટ થઇ. તેથી તેનું પતન ભગવાન શ્રીરામના હસ્તે થયું. આમ, રાવણના અભિમાને જ રાવણના ગર્વની ધજાને બહુ જલદી ફાડી નાખી. આથી કહી શકાય કે ધજા ગર્વની હોય અને તે બહુ ફરકતી હોય તો પણ તે બહુ જલદી ફાટી જાય છે.
તો પંચતંત્રની કથામાં વાંદરા અને સુઘરીની વાર્તામાં પણ ગર્વિષ્ઠ વાંદરાએ ભોળી સુઘરીનો માળો તોડી નાખતાં તે સુઘરીના શ્રાપનો ભોગ બન્યો.
જ્યાં જ્યાં ગર્વ આવ્યો, જ્યાં જ્યાં મદ આવ્યો, જ્યાં જ્યાં અભિમાને માથું ઊંચક્યું ત્યાં ત્યાં સર્વત્ર વિનાશ જ ફેલાય છે. પછી ભલે તે ગર્વ, મદ કે અભિમાન, રૂપ, ધન, જોબન, સંપત્તિનું જ કેમ ન હોય. તેનો વિનાશ જ થાય છે. ખૂબ પ્રકાશતો દીપક ખૂબ સુંદર લાગતો હોય છે. તેમાં અનેક પતંગિયાં રૂપની આગમાં કૂદી ભસ્મીભૂત થઇ જાય છે અને તેલ ખૂટતાં તથા પતંગિયાની હાય લાગતાં તે દીવો પણ નાશ પામે છે.
આપણા સમાજમાં આવા અનેક દાખલા છે કે જે ધજા બહુ જલદી ફરકે છે તે ધજા બહુ જલદી ફાટે છે. માટે જ આપણાં તમામ
શાસ્ત્રો ગાઇ વગાડીને કહે છે કે કદી ગર્વ ન કરવો. રૂપ કે જોબન કદી કોઇનાં ટક્યાં નથી. ધન, સંપત્તિ હાથનો મેલ હોવાથી તે પણ નાશ પામે છે. સત્તાનો નશો બહુ ભયંકર હોય છે. જેને સત્તાનો નશો ચડે છે તે પણ બહુ જલદી પતન પામે છે.
આવા અનેક દાખલા આપણને આપણા સમાજમાં જોવા મળે છે. માટે જ મિત્રો, શાસ્ત્ર, વચન લક્ષમાં રાખી ધન, જોબન, સત્તા, સંપત્તિનો ગર્વ કદી ન કરશો. નહીંતર ક્યારે ફાટી જઇશું તેનો ખ્યાલ પણ નહીં આવે.•
શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like