પર્યાવરણ-આરોગ્ય માટે જોખમી પાણીનાં પાઉચ પર અમદાવાદમાં ટૂંકમાં પ્રતિબંધ

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરના શહેરો પ્લાસ્ટિકના કચરાથી ઊભરાઇ રહ્યાં છે, જોકે હવે ટૂંક સમયમાં લોકોના આરોગ્ય અને પર્યાવરણ માટે હાનિકારક એવાં પાણીનાં પાઉચ પર અમદાવાદ શહેરમાં પ્રતિબંધ મુકાશે.

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ટૂંક સમયમાં જ અમદાવાદ શહેર સહિત રાજ્યભરની મહાનગરપાલિકા, નગરપાલિકા, પંચાયતોને સરકાર પાણીનાં પાઉચ પર પ્રતિબંધ મૂકવાની સૂચના અપાશે. અા અંગે રાજ્ય કક્ષાના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે આજથી રાજકોટ શહેરમાં પાણીનાં પાઉચના જાહેર સ્થળો કે સરકારી કચેરીઓમાં વેચાણ પર પ્રતિબંધ લાગુ થઇ ગયો છે. ટૂંક સમયમાં જ આ નિયમ અમદાવાદ સહિત રાજ્યભરમાં લાગુ પાડી દેવામાં આવશે.

જાહેર સ્થળોએ પાણીનાં પાઉચનો ઉપયોગ વધુ પ્રમાણમાં થાય છે. લોકો સસ્તા મળતાં અને ખિસ્સાને પરવડતાં પાણીનાં પાઉચ ખરીદીને તરસ તો છિપાવી લે છે પણ સાથે-સાથે પર્યાવરણને પણ નુકસાન પહોંચાડે છે. પાઉચનો ઉપયોગ કર્યા પછી તેને જ્યાં-ત્યાં ફેંકી દેવામાં આવે છે. જાહેર સ્થળો કે રસ્તાઓ પર ગમે ત્યાં ફેંકવામાં આવતાં પાણીનાં ખાલી પાઉચ ડ્રેનેજ લાઇનમાં ફસાઇ જતાં પાણીના નિકાલની સમસ્યા સર્જાય છે.

અમદાવાદ શહેરમાં જ રોજનાં અંદાજે પાંચથી છ લાખ પાણીનાં પાઉચનું વેચાણ થાય છે. ગરમીના કારણે આ આંક વધ્યો હોવાની પણ શક્યતા છે. લોકો બેજવાબદારીથી મનસ્વી રીતે પાણી પીધા બાદ પાઉચ જ્યાં-ત્યાં ફેંકી દેતા હોય છે, જેના કારણે ડ્રેનેજ કે પાણીની પાઇપ લાઇન બ્લોક થઇ જાય છે.

અમદાવાદ શહેરમાં કેટલીક જાણીતી બેવરે‌જિસ કંપનીઓને બાદ કરતાં લાઇસન્સ વગરની બેરોકટોક ચાલતી પાઉચ બનાવતી ફેક્ટરીઓ પણ ધમધમી રહી છે, જે લારી-ગલ્લા કે ખાણી-પીણીવાળા પાઉચ વેચે છે તેઓ પણ પાણીનાં ખાલી પાઉચ ભરવા માટે ડસ્ટ‌બિનની વ્યવસ્થા કરવામાં બેદરકાર રહે છે. પરિણામે લો ગાર્ડન સહિતના ખાણી-પીણી માર્કેટની બહાર સવારે મોટી સંખ્યામાં ખાલી પાણીનાં પાઉચ આમતેમ રસ્તા પર ઊડતાં દેખાય છે.

મોટા ભાગના વેપારીઓ હલકી ગુણવત્તાના પ્લાસ્ટિકનો ઉપયોગ પાણીનાં પાઉચમાં કરે છે, જે લોકોના આરોગ્ય માટે જોખમ ઊભું કરે છે એટલું જ નહીંં, ડુપ્લિકેટ પાણીનાં પાઉચનું વેચાણ પણ ધૂમ થઇ રહ્યું છે. હલકી કક્ષાના પ્લાસ્ટિકનાં પાઉચના ઉપયોગના કારણે લોકોને બીમારી લાગુ પડે છે.

પાણીના ધંધાર્થીઓ પાણીનાં ડુપ્લિકેટ પાઉચમાં બેક્ટેરિયાથી ભરપૂર પાણી ભરતા હોવાથી પાણીજન્ય રોગોને નોંતરે છે. પાઉચમાં જે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે તેમાં કોઇ નિયમોનું પાલન કરવામાં આવતું નથી, જેથી લાંબાગાળે પણ લોકોને બીમારી થઇ શકે છે.

શહેરના નરોડા જીઆઇડીસી, વટવા જીઆઇડીસી, નારોલ જીઆઇડીસી, સોનીની ચાલી ઉપરાંત કઠવાડા જીઆઇડીસી તેમજ ચાંગોદર જીઆઇડીસી જેવા વિસ્તારમાં પાણીનાં પાઉચ બનાવનારાં એકમો ધમધમી રહ્યાં છે. એક અંદાજ પ્રમાણે શહેરમાં ૧પ થી ર૦ બ્રાન્ડનાં પાણીનાં પાઉચ જોવા મળે છે.

સામાન્ય રીતે પાણીનાં પાઉચ માટેનું પ્લાસ્ટિક ‘ફૂડ ગ્રેઇન’ પ્રકારનું હોવું જોઇએ. આવા પ્લાસ્ટિકનો સંપર્ક પીવાના પાણી સાથે થાય તો પણ શરીરને નુકસાન થતું નથી. પાણીનાં પાઉચના ઉત્પાદકો દ. ગુજરાતના ભરૂચ, અંકલેશ્વર વિસ્તારમાંથી ફૂડ ગ્રેઇન પ્લાસ્ટિક મંગાવે છે, જોકે પાણીનાં પાઉચનું પ્લાસ્ટિક હલકી ગુણવત્તાનું હોવાથી આનાથી ગટર લાઇન ચોકઅપ થઇ જવાની વારંવાર સમસ્યા સર્જાય છે. ખાસ કરીને ચોમાસામાં વરસાદી પાણીની સાથે પાઉચ વહી જઇને કેચપીટમાં ફસાઇ જતાં હોઇ શહેરમાં કરોડો રૂપિયા ડિસિલ્ટિંગ પાછળ ખર્ચાતા હોવા છતાં પણ અનેક વિસ્તાર વરસાદી પાણીમાં ગરકાવ થાય છે.

You might also like