ઓન લાઈન ઘાતક બ્લૂ વ્હેલ ગેમ પર પ્રતિબંધ લાદતી કેન્દ્ર સરકાર

મુંબઈ: છેલ્લા કેટલાક દિવસોથી ચકચાર મચાવનારી ઈન્ટરનેટ પરની બ્લૂ વ્હેલ નામની ગેમની લતે ચડેલા છોકરાંઓ પૈકી કેટલાંક છોકરાંઓ દ્વારા થઈ રહેલા આપઘાતની ઘટનાઓની ગંભીરતાને ધ્યાનમાં લઈ કેન્દ્ર સરકારે આ ઘાતક ગેમ પર પ્રતિબંધ મૂકવા આદેશ આપ્યો છે. તેમજ ગૂગલ,યાહૂ અને ફેસબુકને આ ગેમની લિન્ક કાઢી નાખવા ખાસ સૂચના આપી છે.

આ ગેમમાં ગેમ રમનારને વિવિધ ૫૦ ટાસ્ક આપવામાં આવે છે.જેમાં છેલ્લો ટાસ્ક ગેમ રમનારને સ્યુસાઈડ કરવા માટે આપવામાં આવે છે. ઈલેકટ્રોનિક એન્ડ ઈન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયે ખાસ અંગે પ્રતિબંધ બહાર પાડ્યો છે. અને તેમાં ગૂગલ,યાહૂ અને ફેસબુક, વોટ્સએપ, યાહૂ ઈન્ડિયા, ઈન્સ્ટાગ્રામ અને માઈક્રોસોફટ ઈન્ડિયા સહિતના તમામ ઈન્ટરનેટ પ્લેટફોર્મને બ્લૂ વ્હેલ ચેલેન્જ અને તેના જેવી બીજી ગેમની લિન્ક તાબડતોબ કાઢી નાખવા સૂચના આપી છે. આ પ્રતિબંધના આદેશની એક નકલ ગૃહ મંત્રાલય તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને પણ મોકલવામાં ‍આવી છે. તાજેતરમાં અનેક રાજકીય અગ્રણીઓએ આ ગેમ પર પ્રતિબંધ મૂકવા માગણી કરી હતી. જેમાં મેનકા ગાંધી અને કેરળના મુખ્યપ્રધાનનો સમાવેશ થાય છે.

આ ગેમના કારણે મુંબઈ, પ.બંગાળ, અને ઈન્દોરમાં ટીનએજરે સ્યુસાઈડ કર્યાં હોવાના કિસ્સા બહાર આવ્યા છે. આ ગેમની રવાડે ચડેલો સોલાપુરનો ટીનેજર પણ તાજેતરમાં જ લાપતા થયો હતો. જોકે પોલીસે તેને શોધી કાઢયો હતો.
આ ગેમ રશિયાના એક ૨૨ વર્ષના યુવકે બનાવી છે. રશિયામાં આ ગેમના કારણે સ્યુસાઈડની ઘટનામાં વધારો થતાં આ યુવકની ધરપકડ કરવામાં આવતાં તે હાલ જેલમાં છે.

બ્લૂ વ્હેલ નામની ગેમના કારણે અનેક દેશમાં ભારે ચકચાર મચી છે ત્યારે એક માહિતી મુજબ વિશ્વમાં આ ગેમની લતે ચડેલા ટીનેજરો પૈકી ૧૩૦ કિશોરો અને બાળકો આપઘાત કરી લીધા છે. જે સમાજ માટે ચિંતાજનક છે.

You might also like