બેન્કો જાન્યુઆરીમાં લોનના વ્યાજદરમાં ઘટાડો કરશે?

મુંબઇ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ભલે છેલ્લી બેઠકમાં નીતિગત વ્યાજદરમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર યથાવત્ સ્થિતિ જાળવી રાખી, પરંતુ નોટબંધી બાદ ઊભી થયેલી વર્તમાન સ્થિતિના પગલે દેશની જાહેર ક્ષેત્રની અગ્રણી એસબીઆઇ સહિત અન્ય બેન્કો ધિરાણ પરના વ્યાજદરમાં ઘટાડો કરે તેવી શક્યતાઓ છે. બેન્કિંગ સેક્ટરનું માનવું છે કે ધિરાણ પરના વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવે તો લોનની માગમાં વધારો થશે.

બેન્કિંગ સેક્ટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે નોટબંધી બાદ વેપાર-ઉદ્યોગોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. મોટા ભાગના કારોબારીઓ રોકડની અછતનો સામનો કરી રહ્યા છે. એ જ પ્રમાણે નોટબંધી બાદ ઊભી થયેલી પરિસ્થિતિના પગલે ઘણા કારોબારીઓએ નવા કારોબારનું વિસ્તરણ કરવાનું મોકૂફ રાખ્યું છે એટલું જ નહીં, હાલ વેઇટ એન્ડ વોચના મૂડમાં છે. આવા સંજોગોમાં ધિરાણ ઉપરના દરમાં ઘટાડો કરવામાં આવે તો લોન પરની માગમાં વધારો જોવાઇ શકે છે તેવું બેન્કિંગ સેક્ટરના જાણકારોનું માનવું છે.

એ જ પ્રમાણે નોટબંધી બાદ જાહેર ક્ષેત્રની બેન્કો સહિત ખાનગી સેક્ટરની બેન્કોમાં મોટા પ્રમાણમાં નાણાં જમા થયાં છે. નોટ રદ થયાના ૫૦ દિવસ બાદ પણ રોકડ ઉપાડ પરની મર્યાદા ચાલુ રહે તેવી શક્યતા છે ત્યારે બેન્કો વ્યાજદર ઘટાડાની શક્યતા ચકાસી રહી છે. પાછલા દિવસોમાં ઇન્ડિયન બેન્ક એસોસિયેશનની બેઠક મળી ગઇ હતી ત્યારે બેન્કોએ લોન પરના વ્યાજના દરમાં ઘટાડાની શક્યતા ચકાસી હતી. આગામી જાન્યુઆરી મહિનામાં તેની અમલવારી થઇ શકે છે.

home

You might also like