બેન્કોને રૂ. ૫૦ હજાર કરોડની નુકસાનીનો ફટકો લાગે તેવી શક્યતા

મુંબઇ: આરબીઆઇએ બેન્કરપ્સી કોર્ટને રિફર કરાયેલી લોન માટે જોગવાઇની જરૂરિયાતમાં નોંધપાત્ર વધારો કરી બેન્કોને આંચકો આપ્યો છે. બેન્કિંગ સેક્ટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે આરબીઆઇના પગલાથી બેન્કોના નફાને ચાલુ નાણાકીય વર્ષમાં રૂ. ૫૦ હજાર કરોડની નુકસાનીનો ફટકો લાગી શકે છે.

રિઝર્વ બેન્કે બેન્કોને ઇન્સોલ્વન્સીની પ્રક્રિયા માટે રિફર કરાયેલા તમામ કેસમાં લોનની રકમનો ઓછામાં ઓછો ૫૦ ટકા હિસ્સો નુકસાની તરીકે બાજુએ રાખવા નિર્દેશ કર્યો છે.

નોંધનીય છે કે આરબીઆઇએ એસ્સાર સ્ટીલ, ભૂષણ સ્ટીલ અને આલોક ઇન્ડસ્ટ્રીઝ સહિત દેશના ટોચના બાર ડિફોલ્ટર્સ સામે ઇન્સોલ્વન્સી પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યા પછી બેન્કોને જોગવાઇના ઉદાર નિયમોની આશા હતી, પરંતુ આરબીઆઇના પત્રથી બેન્કિંગ સેક્ટર ચિંતામાં મુકાઇ ગયું છે. તેમને આશંકા છે કે બેન્કરપ્સી કોર્ટની કામગીરીની ચકાસણી થઇ નથી, જેના પગલે કેસ નિર્ધારિત સમયમાં ઉકલવાની શક્યતા ઓછી છે.

ઉલ્લેખનીય છે કે બાર મોટા એકાઉન્ટમાં એસ્સાર સ્ટીલ, લેન્કો ઇન્ફ્રાટેક, ભૂષણ સ્ટીલ, આલોક ઇન્ડસ્ટ્રીઝ, એબીજી શિપયાર્ડ સહિત ઓનેટ ઇસ્પાત જેવી કંપનીઓ સામેલ છે.
http://sambhaavnews.com/

You might also like