બેન્કિંગ શેરના સુધારે સેન્સેક્સ ૨૯,૦૦૦ને પાર

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર ઊંચા ગેપથી ખૂલ્યું હતું. આવતી કાલે આવનારાં પાંચ રાજ્યની ચૂંટણીનાં પરિણામો બીજેપીની તરફેણમાં આવે તેવા આવેલાં તારણોના પગલે શેરબજાર ઉપર પણ તેની સકારાત્મક અસર નોંધાઇ હતી. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૧૩૮ પોઇન્ટના સુધારે ૨૯ હજારને ક્રોસ કરી ૨૯,૦૬૭ની સપાટીએ જોવાયો હતો. એ જ પ્રમાણે એનએસઇ નિફ્ટી ૪૩ પોઇન્ટના સુધારે ૮,૯૭૦ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી છે. બેન્કિંગ શેરની આગેવાનીએ શેરબજારમાં સુધારાની ચાલ નોંધાઇ છે. બેન્ક નિફ્ટી પણ ૧૧૫ પોઇન્ટનો ઉછાળો નોંધાઇ ૨૦,૮૩૬ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી છે.

દરમિયાન આજે સ્મોલકેપ અને મિડકેપ સેક્ટરના શેરમાં પણ ઘટાડે લેવાલી નોંધાઇ હતી. ઓટોમોબાઇલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, આઇટી અને મેટલ સેક્ટરના શેરમાં ઘટાડે ખરીદી નોંધાઇ હતી તો બીજી બાજુ ઓઇલ એન્ડ ગેસ સેક્ટર પ્રેશરમાં જોવા મળ્યું હતું. રિલાયન્સ કંપનીના શેરમાં ૦.૦૭ ટકા ઘટાડો નોંધાયો હતો.

આજે શરૂઆતે અદાણી પોર્ટ્સ, હીરો મોટો કોર્પ, વિપ્રો કંપનીના શેરમાં ૦.૯૪ ટકાથી ૧.૩૦ ટકા સુધીનો સુધારો નોંધાયો હતો તો બીજી બાજુ ઓએનજીસી કંપનીના શેરમાં ૦.૪૦ ટકા, ગેઇલ કંપનીના શેરમાં ૦.૨૯ ટકા, જ્યારે રિલાયન્સ કંપનીના શેરમાં ૦.૦૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આવતી કાલે પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામ બાદ આગામી સપ્તાહે યુએસ ફેડરલ રિઝર્વની બેઠક મળી રહી છે, જેમાં વ્યાજદરમાં વધારાની શક્યતા ઊંચી છે. આવા સંજોગોમાં બજારમાં આગામી દિવસોમાં ઝડપથી મૂવમેન્ટ જોવા મળી શકે છે.
http://sambhaavnews.com/

You might also like