સંવત ૨૦૭૨માં બેન્કિંગ, ઓટો, ફાર્મા સેક્ટરમાં રોકાણ લાભકારકઃ નિષ્ણાતો

અમદાવાદ: શેરબજાર વિક્રમ સંવત ૨૦૭૨માં પ્રવેશી રહ્યું છે ત્યારે આગામી વર્ષે શેરબજાર કેવું રહેશે તે અંગે શેરબજારના નિષ્ણાતો શંકા-કુશંકા વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ બજારમાં ઘટાડે બેન્કિંગ, ઓટોમોબાઇલ, ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં મધ્યમથી લાંબા સમયગાળાનું કરેલું રોકાણ રોકાણકારોને લાભકારક પુરવાર થઇ શકે છે તેવો મત નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઇ રહ્યો છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે શેરબજારે સંવત ૨૦૭૧માં નેગેટિવ રિટર્ન આપ્યું છે. નિફ્ટીમાં ૨.૯ ટકાનો ઘટાડો નોંધાયો છે, પરંતુ સરકારે ગઇ કાલે જુદાં જુદાં ૧૫ સેક્ટર્સમાં એફડીઆઇના નિયમોમાં આપેલી રાહતે પણ શેરબજારને રાહત થશે તેવો મત જાણકારો દ્વારા વ્યક્ત કરાઇ રહ્યો છે. ખાસ કરીને બેન્કિંગ અને રિયલ્ટી સેક્ટરને તેનો સીધો ફાયદો થશે.

બજારના એનાલિસ્ટ અસીમ મહેતાના જણાવ્યા પ્રમાણે બેન્કિંગ સેક્ટરમાં કરેલું રોકાણ લાંબા ગાળા માટે ફાયદેમંદ પુરવાર થઇ શકે છે એટલું જ નહીં, પરંતુ ફંડામેન્ટલી મજબૂત કંપનીના શેરમાં દરેક ઘટાડે લાંબા ગાળા માટે કરેલું રોકાણ રોકાણકારને વર્ષ ૨૦૭૨માં ફાયદેમંદ પુરવાર થઇ શકે છે.

You might also like