30 મેથી રાષ્ટ્રવ્યાપી બેંકોની હડતાળ, પતાવી લો જરૂરી કામ

સરકારી અને ખાનગી ક્ષેત્રોની બેંકોના 10 લાખથી વધારે કર્મચારીઓ 30 મેથી 48 કલાકની હડતાળ પર જઇ રહ્યા છે. ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ અસોશિયેશન (AIBEA)આ અંગેની જાણકારી આપી છે. યૂનાઇટેડ ફૉરમ ઑફ બેંક યુનિયન્સ (UFBU)ની પ્રસ્તાવિત હડતાળ 30મેના દિવસે સવારે 6 વાગ્યાથી શરૂ થશે અને 1 જૂનના દિવસે સવારે 6 વાગ્યા સુધી ચાલશે. બેંકના કર્મચારીઓ પગારના મામલામાં આ હડતાળ પાડવા જઇ રહ્યા છે.

AIBEAના મહાસચિવે જણાવ્યુ કે, હડતાળ માટેની નોટિસ નવી દિલ્હી સ્થિત બેંક પ્રબંધનની પ્રતિનિધિ સંસ્થા, ઇન્ડિયન બેંક એસોશિએશન અને મુખ્ય શ્રમ આયુક્તને આપી દેવામાં આવી છે. UBFU એક બેંકિગ ક્ષેત્રની 9 યૂનિયનોની એક નેતૃત્વકારી સંસ્થા છે જે બેંક કર્મચારીઓ અને અધિકારીઓનું પ્રતિનિધિત્વ કરે છે. UFBU અને IBAની વચ્ચે વેતન સંશોધનને લઇને મુંબઇમાં 5 મે ના રોજ થયેલી બેઠક નિષ્ફળ રહી હતી.

MGBEAના સેક્રેટરી જણાવ્યુ કે, ”છેલ્લા થોડા સમયથી અમે અમારા પગારમાં સુધારો આપવા બાબતે ઈંડિયન બેંક અસોસિએશન (IBA) સાથે વાટાઘાટો કરી રહ્યા છીએ. IBA પગાર બિલમાં ફક્ત 2% વધારો આપવા તૈયાર થયું છે, જે અમને મંજૂર નથી. અમે આ મામલે કેંદ્રીય નાણાં મંત્રાલયનો સહકાર ઈચ્છીએ છીએ. અમને હજુ સુધી આ મામલે સંતોષકારક જવાબ મળ્યો નથી.”

મહિનાના અંતે બે દિવસ બેંકો બંધ રહેવાથી પગારદારોને મહિનાને અંતે મળતો પગાર અટકશે. સાથે જ લોકોને બેંકને લગતા કાર્યો પૂરા કરવામાં હાલાકી પડશે. બેંક કર્મચારીઓએ એકમતે 30-31 તારીખે બેંકોમાં હડતાળ પાડવાનો નિર્ણય કર્યો છે.

You might also like