ઘટાડે બેન્ક શેરમાં લેવાલીઃ નિફ્ટીએ ૮,૪૦૦ની સપાટી ક્રોસ કરી

અમદાવાદ: શેરબજાર આજે સુધારે ખૂલ્યું હતું. નીચા મથળા શરૂઆતે બેન્ક શેરમાં જોરદાર લેવાલીના પગલે શેરબજારમાં સુધારાની ચાલ નોંધાઇ હતી. બીએસઇ સેન્સેક્સ ૮૨ પોઇન્ટના સુધારે ૨૭,૨૦૦, જ્યારે એનએસઇ નિફ્ટી ૨૬ પોઇન્ટના સુધારે ૮,૪૦૦ની સપાટી ક્રોસ કરી ૮,૪૧૮ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. જાણકારોના જણાવ્યા પ્રમાણે અમેરિકાની નવી વેપાર પોલિસીને લઇને રોકાણકારોમાં ચિંતા વધી છે અને તેના કારણે વૈશ્વિક મોરચે અનિશ્ચિતતાનો માહોલ જોવા મળ્યો છે. આગામી શુક્રવારે અમેરિકાના ચોથા ત્રિમાસિક સમયગાળાના જીડીપીના આંકડા જાહેર થશે. વૈશ્વિક બજારની નજર તેના ઉપર ટકેલી છે. આજે શરૂઆતે એશિયાના શેરબજારમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળ્યો હતો.

દરમિયાન આજે બેન્ક શેરમાં જોરદાર લેવાલી જોવાઇ હતી. બેન્ક નિફ્ટી પણ ૧૩૭ પોઇન્ટના સુધારે ૧૮,૯૭૯ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં હતી. ઓટો, ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં પણ સુધારાની ચાલ જોવાઇ હતી. કોલ ઇન્ડિયા કંપનીના શેરમાં બે ટકા, સન ફાર્મા કંપનીના શેરમાં ૧.૧૩ ટકા, જ્યારે લાર્સન કંપનીના શેરમાં ૦.૯૭ ટકાનો સુધારો નોંધાયો હતો તો બીજી બાજુ હિંદુસ્તાન યુનિલિવર, ભારતી એરટેલ અને એશિયન પેઇન્ટ્સ કંપનીના શેર પ્રેશરમાં જોવાયા હતા.
http://sambhaavnews.com/

You might also like